ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ સાથે સોનામાં ₹ ૨૩૪નો અને ચાંદીમાં ₹ ૧૭૧નો સુધારો
મુંબઈ: આવતીકાલે થનારી અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ અને બજારની અગ્રણી એનવિડિયા કોર્પોરેશનની આવકમાં બજારની અપેક્ષા કરતા ઘટાડો થયો હોવાથી સલામતી માટેની માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૩થી ૨૩૪નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૭૧ વધી આવ્યા હતા. આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૭૧ વધીને રૂ. ૮૫,૧૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૩ વધીને રૂ. ૭૧,૬૩૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૯૨૫ના મથાળે રહ્યા હતા. આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેવા સાથે ગઈકાલે અગ્રણી એનવિડિયા કોર્પોરેશનનાં પરિણામ બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં રોકાણકારોની સોનામાં સલામતી માટેની લેવાલીને ટેકે આજે લંડન ખાતે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૫૧૫.૭૬ ડૉલર અને ૨૫૧૫.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૬૩ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનાથી રેટ કટનો આશાવાદ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈને ટેકે હાલ સોનામાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું છે અને હાજરમાં ભાવ ઔંસદીઠ ૨૫૩૨.૦૫ ડૉલરની વિક્રમ સપાટીથી માત્ર ૨૦ ડૉલર છેટે પ્રવર્તી રહ્યા છે.