મલયેશિયા પાછળ આયાતી તેલમાં સુધારો
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૩૦ સેન્ટ અને ૧૬ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૧૬ રિંગિટ વધી આવ્યા હોવાથી સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલમાં સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડના ભાવમાં અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. પાંચ અને રૂ. ૧૦ વધી આવ્યા હતા.
આજે મથકો પાછળ દેશી તેલમાં મિશ્ર વલણ રહેતાં સિંગતેલમાં રૂ. ૧૦નો ઘટાડો અને સરસવ તેલના ભાવમાં રૂ. ૧૦નો સુધારો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે સ્થાનિકમાં સેલરિસેલ ધોરણે થયેલા છૂટાછવાયા કામકાજોને બાદ કરતાં હાજર અને ડાયરેક્ટ ડિલિવરી શરતે વેપાર નિરસ રહ્યા હતા. દરમિયાન આજે સ્થાનિકમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૨૯૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૭૫, સન રિફાઈન્ડના રૂ. ૧૨૯૫, સિંગતેલના રૂ. ૧૫૩૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૨૮૦ અને સરસવના રૂ. ૧૩૯૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૯૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫૦૦માં થયાના અહેવાલ હતા.
વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર નવા-જૂના માલોની અંદાજે ૪.૨૫ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૪૫૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૫૫૦થી ૪૬૫૦માં થયા હતા. તેમ જ આજે રાજસ્થાનનાં મથકો પર અંદાજે ૧.૫૦ લાખ ગૂણી સરસવની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૫૫૦થી ૬૫૭૫માં થયા હતા, જ્યારે સરસવ એક્સ્પેલરના ૧૦ કિલોદીઠ રૂ. ૧૩૦૦થી ૧૩૩૬માં, કચ્ચી ઘાણીના રૂ. ૧૩૪૦થી ૧૩૪૬માં અને સરસવ ખોળના ક્વિન્ટલે રૂ. ૨૪૫૦થી ૨૪૫૫માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.