સોનામાં ઝડપી તેજી સાથે રિટેલ સ્તરની માગ તળિયે, માર્ચમાં આયાતમાં નોંધપાત્ર ઘટાડો

કોમોડિટી -રમેશ ગોહિલ
અમેરિકાનાં ફેબ્રુઆરી મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ)નાં ડેટાની જાહેરાત પૂર્વે ગત ગુરુવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે સોનાચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર મોડી સાંજે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૫ ટકા ઉછળીને ઔંસદીઠ ૨૧૮૯.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકા વધીને ૨૨૧૨.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૫૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. જોકે, ગત શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે એક્સચેન્જ સત્તાવાર ધોરણે બંધ રહ્યું હતું. તેમ જ સ્થાનિક ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન સત્તાવાર ધોરણે ગત સપ્તાહ દરમિયાન સોમવારે ધૂળેટી નિમિત્તે અને ગત શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે બંધ રહ્યું હોવાથી કામકાજનાં ત્રણ સત્ર દરમિયાન ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩૬નો ઉછાળો આવી ગયો હતો. જોકે, દેશાવરોમાં ખાસ કરીને અમદાવાદની બજારોમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવ વધીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦,૦૦૦ની સપાટી સુધી પહોંચી ગયાના અહેવાલ હતા.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત મંગળવારે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા શુક્રવાર અથવા તો ગત ૨૨મી માર્ચનાં રૂ. ૬૬,૨૬૮ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને રૂ. ૬૬,૨૪૩ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૬૬,૨૪૩ અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. ૬૭,૨૫૨ની ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. જોકે, સપ્તાહ દરમિયાન વિશ્ર્વ બજાર પાછળ આવેલી ઝડપી તેજીને પગલે રિટેલ સ્તરની માગ તળિયે બેસી જતા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મંદ પડી ગઈ હતી. તેમ જ જૂનાં સોનામાં વેચવાલી અને રિસાઈકલિંગનાં પ્રમાણમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં ઊંચા મથાળેથી માગમાં ઘટાડો થવાને કારણે સોનાના વપરાશમાં બીજો ક્રમાંક ધરાવતા દેશ ભારતની સોનાની આયાતમાં આગલા મહિનાની સરખામણીમાં ૯૦ ટકા જેટલો ઘટાડો થયો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. વધુમાં તાજેતરમાં જોવા મળેલી તેજીને પગલે આગામી ગૂડી પડવા તેમ જ અખાત્રીજનાં સપરમાં દિવસોમાં ઊંચા મથાળેથી માગ પર માઠી અસર પડે તેવી બજાર વર્તુળો ભીતિ સેવી રહ્યા છે.
અમેરિકામાં ગત ફેબ્રુઆરી મહિનાના જાહેર થયેલા પર્સનલ ક્ધઝમ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ) ડેટામાં આગલા જાન્યુઆરી મહિનાના ૨.૪ ટકાની સામે ૨.૫ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા રાખે છે, પરંતુ જ્યાં સુધી ફુગાવામાં નોંધપાત્ર ઘટડાના સંકેત જણાશે નહીં, અથવા તો ઘટાડા અંગે વિશ્ર્વાસ નહીં થાય ત્યાં સુધી વ્યાજદરમાં ઘટાડો શક્ય નહીં બને. જોકે, વાર્ષિક ભાવ વધારો તેના ૨ ટકાના લક્ષ્ય તરફ ઘટી રહ્યો હોવાથી તેમણે ફુગાવો લક્ષ્યાંકિત બે ટકા સુધી નીચે આવે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય બાબત એ છે કે ફુગાવો વધીને ૫.૪ ટકાની ઊંચી સપાટીએ પહોંચતાં ફેડરલ રિઝર્વે માર્ચ ૨૦૨૨થી સતત ૧૧ વખત વ્યાજદરમાં વધારો કરીને વ્યાજદર વધારીને ૫.૪ ટકાની ૨૩ વર્ષની ઊંચી સપાટીએ રાખ્યા હતા. જોકે, હવે આવતીકાલે સોમવારે ફેડરલનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના પીસીઈ ડેટાની જાહેરાત બાદનાં નિવેદનને બજાર કેવો પ્રતિસાદ આપે છે તે જોવું રહ્યું.
એકંદરે ગત જાન્યુઆરી મહિનામાં ફુગાવામાં વધારો થયો હોવા છતાં ફેડ ગવર્નર વૉલરે વ્યાજદરમાં કપાતમાં થઈ રહેલા વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હોવાથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ૭૦ ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા. આમ જૂનથી વ્યાજદરમાં કપાતનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્ર્વિક સોનામાં ઝડપી તેજીનો પવન ફૂંકાયો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં ગોલ્ડ-સિલ્વર રેશિયો ૮૮.૮૬૬ આસપાસ છે જે તેજીનો સૂચક છે. અર્થાત્ આગામી ટૂંકા સમયગાળામાં ચાંદીની સરખામણીમાં સોનામાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. જોકે ૯૧ આસપાસની સપાટી પ્રતિકારક સપાટી પ્રતિકારક બની શકે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૩૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૪,૭૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૬૭,૫૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે.