આયાતી તેલમાં આગેકૂચ, વેપાર છૂટાછવાયા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૬૦ સેન્ટનો ઘટાડો આવ્યાના અહેવાલ છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે આયાતી તેલના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો, જેમાં ૧૦ કિલોદીઠ ક્રૂડ પામતેલમાં રૂ. ૧૦ અને આરબીડી પામોલિન, સન રિફાઈન્ડ અને સન ક્રૂડમાં રૂ. પાંચ વધી આવ્યા હતા. જોકે, આજે વેપારો છૂટાછવાયા રહ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં રૂચીના રૂ. ૯૫૦, રિલાયન્સ રિટેલના રૂ. ૯૬૮ અને ગોલ્ડન એગ્રીના જેએનપીટીથી ડિલિવરી શરતે રૂ. ૯૫૫, મેંગ્લોરથી રૂ. ૯૪૫ અને કંડલાથી રૂ. ૯૩૫ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે લિબર્ટીના સન રિફાઈન્ડના ૧૦ કિલોદીઠ રૂ. ૯૮૦ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૪૦, ક્રૂડ પામતેલના રૂ. ૯૦૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૫૫, સોયા ડિગમના રૂ. ૮૯૦, સન રિફાઈન્ડના રૂ. ૯૬૫, સન ક્રૂડના રૂ. ૯૨૦, સિંગતેલના રૂ. ૧૫૪૫, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૯૫ અને સરસવના રૂ. ૧૧૯૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલ અને વૉશ્ડ કૉટનના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૫૦૦થી ૧૫૨૫માં અને રૂ. ૯૨૫થી ૯૩૦માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૯૦થી ૨૪૨૫ના મથાળે થયા હતા.
આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૪૦,૦૦૦ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૨૦૦થી ૪૩૫૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૪૨૫થી ૪૫૨૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૪૫થી ૯૫૦માં થયાના અહેવાલ હતા.