વિશ્વ બજાર પાછળ આયાતી તેલમાં આગળ ધપતી નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 11 રિંગિટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 67 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદ હેઠળ આજે સતત બીજા સત્રમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હોવાથી આયાતી સોયા રિફાઈન્ડ અને આરબીડી પામોલિનના ભાવમાં અનુક્રમે 10 કિલોદીઠ રૂ. 10 અને રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે મથકો પાછળ દેશી તેલમાં કપાસિયા રિફાઈન્ડના ભાવ પણ 10 કિલોદીઠ રૂ. પાંચ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1260 અને સન રિફાઈન્ડના રૂ. 1425, જી-વનના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1255 અને રૂ. 1245, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1275, રિલાયન્સ ક્નઝ્યુમરનાં ખપોલીથી નવેમ્બર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1300 અને સન રિફાઈન્ડના રૂ. 1430 તથા એવીઆઈના આરબીડી પામોલિનના રૂ. 1250 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારો નહોતા. જોકે, આજે માત્ર સેલરિસેલ ધોરણે છૂટાછવાયા વેપાર થયાના અહેવાલ હતા.
આજે ગુજરાતમાં ગોંડલ મથકે 30,000 ગૂણી અને ગઈકાલની શેષ 5000 ગૂણી મળીને કુલ 35,000 મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 950થી 1250માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે 12,000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 950થી 1300માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સ્થાનિકમાં આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1280, સોયા રિફાઈન્ડના રૂ. 1280, સન રિફાઈન્ડના રૂ. 1420, સિંગતેલના રૂ. 1340, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1350 અને સરસવના રૂ. 1605ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 20 ઘટીને રૂ. 2120માં અને લૂઝમાં 10 કિલોદીઠ 15 ઘટીને રૂ. 1315માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.