વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં પીછેહઠ, ગુજરાતના મથકો પાછળ સિંગતેલમાં ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૭૧ સેન્ટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં પણ ૧૪ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો.
વધુમાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ઘટાડો આગળ ધપતાં વધુ ૩૯ રિંગિટ ઘટી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં વધુ ભાવઘટાડાના આશાવાદ હેઠળ સાર્વત્રિક સ્તરેથી વેપાર નિરસ રહેતાં ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હતી, જેમાં ૧૦ કિલોદીઠ ધોરણે ક્રૂડ પામતેલમાં રૂ. ૨૫નો, સોયા ડિગમમાં રૂ. ૧૦નો અને આરબીડી પામોલિન તથા સોયા રિફાઈન્ડમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો.
જોકે, આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં દેશાવરોની માગને ટેકે ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦નો અને તેલિયા ટીનમાં ૧૫ કિલોદીઠ રૂ. ૧૫નો સુધારો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિકમાં પણ સિંગતેલના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર છેલ્લા બે સત્રથી આયાતી તેલના ભાવમાં પીછેહઠ જોવા મળી રહી હોવાથી આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે લિબર્ટી, રૂચી. અલાના, ગોલ્ડન એગ્રી અને એએનએ સહિત કોઈ રિફાઈનરોએ આરબીડી પામોલિનના ભાવ નહોંતા ક્વૉટ કર્યા. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદ હેઠળ સેલરિસેલ ધોરણે પણ વેપારનો સદંતર અભાવ રહ્યો હતો.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૮૯૦, ક્રૂડ પામતેલના રૂ. ૮૬૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૧૫, સોયા ડિગમના રૂ. ૮૫૫, સન રિફાઈન્ડના રૂ. ૯૧૫, સન ક્રૂડના રૂ. ૮૫૦, સિંગતેલના રૂ. ૧૫૨૫, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૦ અને સરસવના રૂ. ૧૦૨૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ગુજરાતનાં મથકો પર ૧૦ કિલોદીઠ કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૦થી ૯૨૦માં અને રૂ. ૧૪૮૫માં તથા સિંગતેલના તેલિયા ટીનના ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૭૫માં થયાના અહેવાલ હતા.
આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૨૫ લાખ ગૂણી સોયાસીડની આવકો સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૫૦૦થી ૪૭૫૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૭૨૫થી ૪૮૨૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૫માં થયાના અહેવાલ હતા.