વેપાર

હું અલગ છું: મુશ્કેલીઓથી ડરશો તો લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકો

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

આપણે બધા પણ લાઇફમાં આ અનુભવી ચૂકયા છીએ અને આજે પણ સ્કૂલમાં હર એક વિદ્યાર્થીને એક વખત તો એ પ્રશ્ર્ન ટીચર જરૂર પૂછે છે કે તે જિંદગીમાં મોટો થઇને એ શું બનવા માગે છે, અને મોટા ભાગના વિદ્યાર્થીઓ પાઇલોટ, ડૉક્ટર, એન્જિનિયર, સી. એ. કે બિઝનેસમેન બનવું છે તેવો જવાબ આપે છે. આ તમામ જવાબમાં તેમનાં ઘરોમાં તેના ભવિષ્ય માટે માતા-પિતા કે ફેમિલી મેમ્બર્સમાં થતી વાત કે જે તેના કાને પડી હોય કે પછી તેની આજુબાજુમાં રહેતા ડૉક્ટરો કે એન્જિનિયરોના કારણે તેમના માનસ પર થતી આ અસરો સ્પષ્ટ દેખાઇ આવે છે. પણ જયારે કોઇ અનાથાશ્રમમાં રહેતા બાળકને આવો પ્રશ્ર્ન પૂછવામાં આવે તો તેનો જવાબ શું હોઇ શકે? જયાં કુમળી અવસ્થામાં બાળકને જમવાના સાંસા હોય, કોઇ પ્રેમથી માથા પર હાથ ફેરવવાવાળું ના હોય, ભગવાન ભરોસે જિંદગી જતી હોય ત્યાં આવા બાળકનો જવાબ સામાન્ય રીતે ટીચર બનવાના કે સારી નોકરી મેળવી સુખી જીવન જીવવાના હોય છે. પણ જ્યારે અનાથાશ્રમમાં રહેતો બાળક એવો જવાબ આપે કે તેના દેશના સૌથી ધનિક વ્યાપારી બનવાનાં સ્વપ્નાઓ સેવે છે ત્યારે શું થાય? કંઇક આવી જ ઘટના આજથી ૭૦ વર્ષ પહેલા ઇટાલીમાં બનેલી હતી.

લિયોનાર્ડો વેછીઓ : ૨૨મે ૧૯૩૫ના ઇટાલીમાં જન્મેલા લિયોનાર્ડોના પિતા તેના જન્મના ૫ મહિના પહેલાં જ ગુજરી ગયેલા હતા. ૧૯૩૫નું યુરોપ આજ જેટલું સમૃદ્ધ નહોતું. તેથી તેની માતા લિયોનાર્ડોને ઉછેર કરવાના ખર્ચ માટે અસમર્થ હોય તેને અનાથાશ્રમમાં છોડી આવેલી હતી. આમ લિયોનાર્ડો માની હયાતીમાં માના પ્રેમથી વંચિત રહ્યો અને પિતાનું તો મોં પણ જોવા નહીં પામેલો. ૧૪ વર્ષની ઉંમરે તો અનાથાશ્રમ છોડીને કમાવવાની નોબત આવી ગઇ, તેથી એક ટુલ્સ મેન્યુફેકચરિંગ કંપનીમાં કામદાર તરીકે જોડાઇને કારકિર્દીની શરૂઆત કરી. લિયોનાર્ડોને થયું કે આ લાઇનમાં જ તેનું ભવિષ્ય છે તેથી દિવસના સમયમાં નોકરી અને નાઇટ સ્કૂલમાં ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગનું ભણવાનું શરૂ કર્યું. ઇટાલીના મિલાન શહેરમાં ટુલ્સ અને ડાઇમેકરને ત્યાં કામ કરતા લીયોનાર્ડોએ હવે ચશ્માંનાં પાર્ટસ બનાવતી ફેકટરીમાં જોડાયો. આ કામમાં તેને એટલો રસ પડવા માંડ્યો કે ઇટાલીના એર્ગાડો વેલી કે જે ચશ્માંના ગ્લાસ અને ફ્રેમ બનાવતો પ્રદેશ ગણાય છે ત્યાં પહોંચી ગયો.
૧૯૫૮માં જયારે લિયોનાર્ડોને થયું કે પૂરતો અનુભવ મળી ગયો છે ત્યારે બહારની પાર્ટીઓનો ગ્લાસ એસેમ્બલીનો પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને જેમ બધા ધંધામાં થાય છે તેમ તકલીફો પણ આવી પણ તેનાથી ગભરાયા વગર કામ ચાલુ રાખ્યું પણ સફળતા નહીં મળતા કોઇ નવું ફેન્સી નામ રાખવાનું નક્કી કરી અંગે્રજી શબ્દ “એકઝોટીકનું “લેકઝોટીકા નામ રાખી દીધું અને ત્યારથી લિયોનાર્ડોને પાછું વાળીને જોવાની જરૂર નથી પડી!

૧૯૬૭માં થર્ડ પાર્ટીનું કામ કરતા લિયોનાર્ડોને થયું કે આમાં કાંઇ બે પાંદડે ના થવાય તેથી તૈયાર ચશ્માં “લેકઝોટીકા બ્રાન્ડના નામે વેંચવાની શરૂઆત કરી જેમાં ધીરે ધીરે સફળતા મળવા લાગી. ૧૯૭૧માં ઇટાલીના મિલાન શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ઓપ્ટિકલ એક્ઝિબિશનમાં ભાગ લઇને તેની “લેકઝોટીકા બ્રાન્ડની પ્રોડક્ટસ ડિસ્પલે કરી. બીજું વિશ્ર્વ યુદ્ધ ૧૯૪૫માં ખતમ થઇ ગયેલું. ત્યાર પછીના ૨૫ વર્ષમાં યુરોપનાં દેશો બહુ ઝડપથી આર્થિક રીતે સમૃદ્ધ થવા લાગેલા હતા અને લડાઇ પછીની પેઢી ભણેલી હોય સારા પગારો મળતા હોય પૈસા પાત્ર લોકો બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનો આગ્રહ રાખવા લાગ્યા તેનો સીધો ફાયદો લિયોનાર્ડોની લેકઝોટીકા બ્રાન્ડને મળવા લાગ્યો.

લિયોનાર્ડો જાણતો હતો કે નવી પેઢીને રોજ કંઇક નવું જોઇએ છે તેથી માર્કેટમાં ટકી રહેવા માટે ઇનોવેટીવ પ્રોડક્ટસ જો વ્યાજબી ભાવ વેંચશે તો જ સફળતા મળશે તેથી ભાવો એકદમ કોમ્પિટેટીવ રાખીને બિઝનેસ મેળવવા લાગ્યા. જેનો ફાયદો એ થયો કે રિટેલ સાથે હોલસેલ અને સેમી હોલસેલ વ્યાપારીઓએ પણ કિંમત ઘટાડવા લિયોનાર્ડોની ફેકટરીમાંથી ડાયરેક્ટ માલ ઉપાડવાનું પસંદ કર્યું જેથી બિઝનેસની નવી ક્ષિતિજો ખૂલી.

જર્મનીમાં બિઝનેસ ચાલુ કરીને લિયોનાર્ડોએ ૧૯૮૦માં ઇટાલીની બહાર ધંધો શરૂ કર્યો અને ત્યાર પછી અમેરિકામાં એન્ટ્રી કરી. અમેરિકામાં પણ સફળતા મળતા ૧૯૮૬માં તો તેને રાજકીય સન્માન અને એવોર્ડઝ મળવા લાગ્યા. ૧૯૮૮માં અરમાની બ્રાન્ડ સાથે કરેલી સમજૂતીએ લિયોનાર્ડોની સફળતામાં વેગ પૂર્યા.

લિયોનાર્ડો માટે હવે અમેરિકા અને યુરોપનાં બઝારો નાનાં લાગવા લાગ્યાં. તેથી ધંધાનો વિકાસ કરવા ૧૯૯૯માં રે બન બ્રાન્ડના સન ગ્લાસ બનાવતી કંપની તેની બ્રાન્ડ સાથે ખરીદી લીધી. ત્યારબાદ લેન્સક્રાફટર્સ નામની રિટેઇલ ઓપ્ટિક્લ સ્ટોર્સની મોટી ડિસ્ટ્રિબ્યુટર કંપની હસ્તગત કરી લીધી અને ૧૯૯૦માં તો તેની કંપનીના શેર્સ ન્યૂયોર્ક સ્ટોક એકસચેન્જમાં લિસ્ટેડ થઇ ગયા જેણે કંપનીની આખી પહેચાન જ બદલાવી દીધી. અમેરિકાનું ઘેલું કેટલું છે કે અમેરિકામાં લિસ્ટેડ થયા બાદ ૧૦ વર્ષ પછી સન ૨૦૦૦માં મિલાન સ્ટોક એકસચેન્જમાં તેની કંપનીના શેર્સના કામ શરૂ થયા. લિયોનાર્ડો કંપનીઓ ખરીદતો ગયો અને માર્કેટમાં નવી પ્રોડક્ટસ ઉતારતો ગયો અને સાથોસાથ ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં રિટેલ ચેનો ખોલતો ગયો જેવી કે કોલે અને ઓકલી રિટેલ ચેઇન.
આજે તો ૧૪ કામદારોથી શરૂ કરેલી કંપનીમાં ૬૦,૦૦૦ માણસો કામ કરે છે જેના ૬ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ ઇટાલીમાં અને ૨ ચીનમાં છે. વિશ્ર્વમાં પથરાયેલા ૬૦૦૦ ઉપર સ્ટોર્સમાં વર્ષે ૩ બિલિયન યુ. એસ. ડૉલર્સનું વેચાણ થાય છે. કૉલેજ ડિગ્રીથી વંચીત લિયોનોર્ડોને કેટલીય યુનિવર્સિટીએ માનદ પદવી આપેલ છે. અને કેટલીય કંપનીઓમાં તે ડાયરેક્ટર છે. ૨૦૧૧માં ફોર્બ્સ લિસ્ટ મુજબ ૧૦ બિલિયન યુ. એસ. ડૉલર્સની એસેટ વેલ્યુછી તે માઇકલ ફરેરો પછી ઇટાલીનો બીજા નંબરનો શ્રીમંત છે અને વિશ્ર્વના શ્રીમંતોની યાદીમાં તેનો નંબર છે ૭૪મો.

લિયોનાર્ડોની સફળતાનો શ્રેય તેની ધગશ અને સખત મહેનતના આધારે જ છે તેમાં કોઇ ભાગ પડાવી શકે નહીં. અનાથાશ્રમના બીજા વિદ્યાર્થીઓ કે સ્કોલરો જે સિદ્ધિ ના મેળવી શકયા તે લિયોનોર્ડોને મળી તેનાં કારણો છે સ્વપ્ન જોવાની તાકાત, તેને સાકર કરવાનો અથાગ પરિશ્રમ અને સફળતા પચાવવાની પરિપકવતા અને સૌથી અગત્યનું સ્વપ્નાઓ સાથે સમાધાન નહીં કરવાની વૃત્તિ, જેણે બે ટંક ભોજન વર્ષો સુધી ના કર્યું હોય તેના માટે શરૂઆતનાં વર્ષોમાં મળેલી લકઝરી ઇનફ હતી પણ તેનાથી તૃપ્ત થઇને લિયોનાર્ડો ક્યારેય બેસી નહીં રહેલો.

ટાઇગર અને સ્ટુડન્ટસ : લિયોનોર્ડોની કે તેના જેવા અન્ય સફળ લોકોની સ્ટોરીમાં અને આ સ્ટોરીમાં ઘણી સામ્યતા છે કે એક વાર મિત્રોએ તેના ગુરુ સાથે જંગલમાં ફરવા જવાનો પ્રોગ્રામ કર્યો. ગુરુએ સમજાવ્યું કે જંગલમાં ફરવાનું આસાન નથી ડગલે ને પગલે જોખમ છે તો પણ આ ૩ મિત્રો જવા તૈયાર થઇ ગયા. જંગલ ગાઢ હતું અને પહોંચતા પહોંચતા સાંજ પડી ગઇ. ગુરુએ કહ્યું રાત થવામાં છે ક્યાંક આશરો લઇ લઇએ, તો ત્રણે મિત્રો કહે એકવાર નક્કી કર્યું છે પછી ડર શેનો? હજુ તો અડધો કિલોમીટર ચાલ્યા હશે ત્યાં જ દૂરથી સિંહની ત્રાડ સંભળાઇ તેની અવગણના કરીને ગુરુ સાથે ૩ મિત્રો ચાલવા લાગ્યા ત્યાં તો સિંહ ૫૦ ફૂટના અંતરે આવી ગયો, ગુરુએ તેના વિદ્યાર્થીઓને કહ્યું તમારા નિર્ણયમાં મક્કમ રહેજો. ડરશો નહીં આપણા પાસે કોઇ વિકલ્પો નથી તેથી ગભરાયા વગર મેડિટેશન કરો મોઢા પર કોઇ ડરના ભાવો ન આવવા દો અને સિંહ આપોઆપ ચાલી જશે પણ ત્યાં તો એક વિદ્યાર્થી ગભરાઇને ભાગ્યો અને સિંહે તેની પાછળ ભાગીને તેનો શિકાર કર્યો.

બીજા બે વિદ્યાર્થી બહુ ડરી ગયા અને ગુરુને પૂછવા લાગ્યા કે આપણે સિંહની નજીક હતા તો પણ તેણે ભાગતા સ્ટુડન્ટનો શિકાર કર્યો તો ગુરુએ કહ્યું “જિંદગીમાં તમે જે કંઇ લક્ષ્ય નક્કી કરો તે પહેલા તેમાં કેટલી મુશ્કેલીઓ આવશે તેનો અંદાજ લગાવો અને જો આવનારી મુશ્કેલીઓને સામનો કરી શકતા હો તો જ આગળ વધો જો મુશ્કેલીઓથી ડરશો તો લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકો.
મેં તમને જણાવેલું કે સાંજ પડી ગઇ છે તમો રાત્રી મુકામ કરી લો પણ તમે ઓવરકોન્ફિડન્સમાં હતા પણ જયારે તકલીફ આવી ત્યારે તે ઢીલો પડી ગયો, મક્કમતા સાથે મેચ્યોરિટી પણ જરૂરી છે. સિંહને ખબર પડી ગઇ કે આ વ્યક્તિ ગભરાઇને ભાગી છે માટે શિકાર બહુ આસાન છે અને તે મેળવવામાં બહુ મુશ્કેલી નથી. લાઇફમાં પણ લક્ષ્યથી ભાગશો તો પછાડવાવાળા ઘણા છે તેથી ધૈર્યથી કામ કરો કારણ કે તકલીફો તો જીવન પ્રક્રિયાનો એક ભાગ છે પણ જો નક્કી કરેલું હશે કે હું અલગ છું તો આ તકલીફો તમે પાર કરી શકશો જેમ કે વોલ્ટર એનબર્ગનું કહેવું છે કે “એડવર્સિટી (દુ:ખ કે તકલીફ) ટેસ્ટસ અસ ફ્રોમ ટાઇમ ટુ ટાઇમ એન્ડ ઇટ ઇઝ ઇનએવીટેબલ (અનિવાર્ય) ધેટ ધીઝ ટેસ્ટિંગ કન્ટિન્યુઝ ડયુરિંગ લાઇફ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત