શૅરબજાર માટે વિતેલું નાણાં વર્ષ ઐતિહાસિક રહ્યું: સેન્સેકસ, નિફટી, મિડકૅપ સહિતના ઈન્ડેક્સ નવા શિખરે પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : વિતેલા નાણાકીય વર્ષમાં શેરબજારમાં ભારે ઊથલપાથલ અને અફડાતફડી જોવા મળી હતી, જોકે આમ છતાં શેરધારકોને જોરદાર કમાણી થઇ હોવાનું તથ્ય સામે આવ્યું છે. ભારતીય શેર બજારો માટે ૨૮, માર્ચ ૨૦૨૪ના પૂર્ણ થયેલું નાણા વર્ષ ૨૦૨૩-૨૪ ઐતિહાસિક તેજીનું નીવડયું છે. વિવિધ સેકટર અને સેગમેન્ટનો અભ્યાસ કતરતા જણાય છે કે, એકંદરે શેરબજારમાં સહભાગી દરેક વર્ગને સારી કમાણી થઇ છે.
ડેટા જોઇએ તો આ વર્ષમાં સેન્સેક્સે ૭, માર્ચ ૨૦૨૪ના ૭૪,૨૪૫.૧૭ પોઇન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે નિફટીમાં ૧૧, માર્ચ ૨૦૨૪ના રોજ ૨૨,૫૨૬.૬૦ પોઇન્ટની નવા શિખરનોે ઈતિહાસ રચાયો હતો. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ઈક્વિટીઝના રોકાણકારોની સંપતિમાં રૂ. ૧૨૮ લાખ કરોડથી વધુનો વધારો થયો છે.
નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં સાધારણ વળતર બાદ વર્તમાન નાણાં વર્ષ રોકાણકારો માટે ફળદાયી રહ્યું છે. ૨૦૨૩-૨૪ના અંતે બીએસઈમાં લિસ્ટેડ શેરોની એકંદર માર્કટ કેપ રૂ. ૩૮૬.૯૭ લાખ કરોડ રહી છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રારંભમાં એકંદર માર્કેટ કેપ ૨૫૮.૧૯ લાખ કરોડ રહી હતી.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો(ડીઆઈઆઈ)ની શેરોમાં મોટાપાયે ખરીદી બાદ હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની પણ વર્ષાંતે શેરોમાં ખરીદી થકી ઐતિહાસિક તેજી જોવાઈ છે. જોકે વર્ષાંતે સ્મોલ કેપ શેરોમાં ઓવર વેલ્યુએશનના જોખમની નિષ્ણાંતોની ચેતવણી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના પગલાં સાથે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના હવાલા ઓપરેટરો સામે પગલાંના પરિણામે સ્મોલ, મિડ કેપ, માઈક્રો કેપ શેરોમાં મોટું કરેકશન જોવાયું છે.
પરંતુ આમ છતાં વર્ષ દરમિયાન સ્મોલ, મિડ કેપ, માઈક્રો કેપ શેરોમાં રોકાણકારોને સૌથી વધુ વળતર મળ્યું છે. સંપૂર્ણ વર્ષમાં સેન્સેક્સમાં બંધ ધોરણે સેન્સેક્સમાં ૧૪,૬૫૯.૮૩ પોઈન્ટ એટલે કે ૨૪.૮૫ ટકા ઉછાળો નોંધાયો છે. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સમાં ૪૯,૬૭.૧૫ પોઈન્ટ એટલે કે ૨૮.૬૧ ટકાનો ઉછાળો નોંધાયો છે.
ગત વર્ષ ૨૦૨૨-૨૩ના અંતે ૩૧, માર્ચ ૨૦૨૩ના સેન્સેક્સ ૫૮,૯૯૧.૫૨ બંધ રહ્યો હતો જે નાણા વર્ષ ૨૦૨૩-૨૪ના અંતે ૭૩,૬૫૧.૩૫ બંધ રહ્યો છે. જ્યારે નિફટી ઈન્ડેક્સ ૩૧, માર્ચ ૨૦૨૩ના ૧૭,૩૫૯.૭૫ બંધ રહ્યો હતો.
બેંક નિફટી ૩૧, માર્ચ ૨૦૨૩ના ૪૦૬૦૯ની સપાટીથી ૧૬.૦૪ ટકા વધીને ૪૭૧૨૫ની સપાટી રહ્યો છે. જ્યારે નિફટી માઈક્રો કેપ ૨૫૦ ઈન્ડેક્સ ૧૦,૨૪૨ની સપાટીથી ૮૫.૧૧ ટકા વધીને ૧૮૯૫૯ની સપાટી રહ્યો છે. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩૧, માર્ચ ૨૦૨૩ના ૨૬૯૫૭ની સપાટીએ હતો, એ ૬૦.૧૩ ટકા વધીને ૨૮, માર્ચ ૨૦૨૪ના ૪૩૧૬૬ બંધ રહ્યો છે. બીએસઈ મિડ કેપ ઈનડેક્સ ૨૪૦૬૬ની સપાટીથી ૬૩.૩૯ ટકા વધીને ૩૯૩૨૨ લેવલે રહ્યો છે. બીએસઈ લાર્જ કેપ ઈન્ડેક્સ જે ૩૧, માર્ચ ૨૦૨૩ના ૬૫૮૪ની સપાટીએ હતો, એ વર્ષમાં ૩૧.૮૬ ટકા વધીને ૮૬૮૨ બંધ રહ્યો છે.
બીએસઈનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન જે ૩૧, માર્ચ ૨૦૨૩ના અંતે રૂ. ૨૫૮,૧૯,૮૯૬ કરોડ હતું, એ વર્ષમાં ૪૯.૮૮ ટકા વધીને ૩૮૬,૯૭,૦૯૯ કરોડ પહોંચ્યું છે. વર્તમાન નાણાં વર્ષમાં નિફટી૫૦એ ૨૮.૬૦ ટકા જેટલું વળતર પૂરું પાડયું છે પરંતુ સ્મોલ કેપ્સમાં જંગી વળતર પ્રાપ્ત થયું છે.
કંપનીઓની આવકમાં મજબૂત વૃદ્ધિ, આર્થિક વિકાસ દર, સરકાર દ્વારા મૂડીખર્ચમાં વધારો તથા સાનુકૂળ નાણાં નીતિ શેરબજારની તરફેણમાં રહ્યા છે. રિટેલ રોકાણકારો ઉપરાંત ઘરેલું સંસ્થાકીય રોકાણકારો તથા વિદેશી રોકાણકારોએ પણ બજારને ઊંચે લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
સમાપ્ત થઈ રહેલા નાણાં વર્ષમાં સેન્સેકસ, નિફટી, દરેક મિડકેપ તથા સ્મોલકેપ ઈન્ડેકસ અને સેકટોરલ ઈન્ડાઈસિસે ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી છે એમ પ્રાપ્ત આંકડા જણાવે છે. વર્તમાન નાણાં વર્ષમાં વિદેશી રોકાણકારો ૧૨માંથી નવ મહિનામાં ઈક્વિટીઝમાં નેટ લેવાલ રહ્યા છે.
દેશના શેરબજારોમાં મિડ-કેપ તથા સ્મોલ-કેપ શેરોમાં વ્યાપક તેજીને પરિણામે માર્કેટ કેપમાં ઝડપી વધારો થયો છે. શેરોના નવા લિસ્ટિંગ ઉપરાંત અગાઉથી લિસ્ટેડ શેરોના ભાવમાં જોવાયેલા સુધારાને પરિણામે માર્કેટ કેપમાં વધારો થયો છે, એમ એક રિસર્ચ પેઢીના સુત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું.