એચવનબી વિઝાની ફીમાં વધારોઃ રૂપિયો 12 પૈસા ગબડ્યો | મુંબઈ સમાચાર
વેપાર

એચવનબી વિઝાની ફીમાં વધારોઃ રૂપિયો 12 પૈસા ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ અમેરિકાએ વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યો હોવાથી ભારતના રેમિટન્સ પર માઠી અસર થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે 12 પૈસા ગબડીને 88.28ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે વિઝાની ફીના વધારાની મુખ્યત્વે દેશનાં આઈટી ક્ષેત્ર પર પડે તેવી ભીતિ હેઠળ આજે ઈક્વિટી માર્કેટમાં પણ આઈટી શૅરોના નેજા હેઠળ બૅન્ચમાર્કમાં કડાકા બોલાઈ ગયા હોવાની રૂપિયા પર વધુ માઠી અસર પડી હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેકસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હતું.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારનાં 88.16ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 88.20ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.34 અને ઉપરમાં 88.12ની રેન્જમાં અથડાઈને અંતે 12 પૈસાના ઘટાડા સાથે 88.28ના મથાળે બંધ રહ્યો હતો. નોંધીય બાબત એ છે કે ગત શુક્રવારે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો આવ્યો હતો.

આ પણ વાંચો: … નહીં તો દેશ છોડી દો: અમેરિકામાં રહેનારા ‘વિદેશીઓ’ માટે ટ્રમ્પ સરકારે આપ્યું નવું ફરમાન

એકંદરે વિઝા ફીનાં વધારાને કારણે બજારનું સેન્ટિમેન્ટ ડહોળાયેલું છે અને તેની માઠી અસર ફોરેક્સ તથા ઈક્વિટી માર્કેટ પર પડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો રૂપિયાને અમુક અંશે ટેકો આપી શકે છે.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.12 ટકા ઘટીને 97.52 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.21 ટકા ઘટીને બેરલદીઠ 66.54 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 466.26 પૉઈન્ટનો અને 124.70 પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો હોવાથી રૂપિયો વધુ દબાણ બેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button