જીએસટીના તાર્કિકરણથી સરકાર પર રાજકોષીય ભારણ વધવાની શક્યતા ઓછીઃ ક્રિસિલ | મુંબઈ સમાચાર
વેપાર

જીએસટીના તાર્કિકરણથી સરકાર પર રાજકોષીય ભારણ વધવાની શક્યતા ઓછીઃ ક્રિસિલ

નવી દિલ્હીઃ જીએસટીન દરનાં તાર્કિકરણથી સરકાર પર રાજકોષીય ભારણ વધવાની શક્યતા ઓછી હોવાનું અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું છે.

એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે જીએસટીના દરમાં કરવામાં આવેલી તર્કસંગતતાને કારણે સરકારને ટૂંકા ગાળા માટે અંદાજે રૂ. 48,000 કરોડની ચોખ્ખી ખોટ થશે. ગત નાણાકીય વર્ષમાં જીએસટીની વસૂલી રૂ. 10.6 લાખ કરોડની રહી હતી તે જોતા આ ખોટ એટલી નોંધપાત્ર નથી જણાતી. નોંધનીય બાબત એ છે કે ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે તાજેતરમાં જીએસટીના દરમાં સુધારો કરીને માત્ર પાંચ ટકા અને 18 ટકાના એમ બે સ્તરના દર રાખવાનો નિર્ણય લીધો હતો. તેમ જ આ સુધારિત દર આગામી 22મી સપ્ટેમ્બરથી અમલી થશે અને તેને કારણે ઘણાં ઉત્પાદનો અને સેવાના દરમાં ઘટાડો થશે.

અહેવાલમાં ઉમેર્યું હતું કે જીએસટીના ચાર દરમાંથી બે દર રાખીને સરળીકરણ કરવામાં આવતા વધુ ગૂડ્સ (માલ) અને સર્વિસીસ (સેવાઓ) ઔપચારિક નેટવર્ક હેઠળ આવે તેમ હોવાથી મધ્યમ સમયગાળામાં ધીરે ધીરે કરવેરા વસૂલીમાં વધારાને ટેકો આપશે.

જીએસટીનાં તાર્કિકરણ પૂર્વે જીએસટી વસૂલીની કુલ આવક પૈકી 70થી 75 ટકા હિસ્સો 18 ટકાના દરમાંથી થઈ રહ્યો હતો, પાંચથી છ ટકા હિસ્સો 12 ટકાના દરમાંથી અને 13થી 15 ટકા જેટલો હિસ્સો 28 ટકાના દરનો રહ્યો હતો. આથી 12 ટકા દર વાળી ચીજો અને સેવાના દરમાં ઘટાડાથી મહેસૂલી આવકમાં કોઈ ખાસ નુકસાન નહીં થાય. વધુમાં મોબાઈલ ટૅરિફ જેવી ઘણી ફાસ્ટ ગ્રોઈંગ સેવાઓ પરના દર યથાવત્‌‍ રહ્યા છે, જ્યારે ઈ-કોમર્સ ડિલિવરી જેવી નવી સેવાઓને 18 ટકાના દર હેઠળ આવરી લેવામાં આવી હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.

વધુમાં અહેવાલમાં જણાવ્યું હતું કે જીએસટીના દરમાં ઘટાડો થવાથી ગ્રાહકોની રોકડ પ્રવાહિતામાં વધારો થવાથી શક્ય છે કે વપરાશી માગમાં વધારો થાય અને વેરા વસૂલીમાં વધારો જોવા મળે. જોકે, ઉત્પાદકો જીએસટીના દરમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને પસાર કરે તે એક મહત્ત્વનું પરિબળ છે જેની આકારણી પછીથી વપરાશકારોની પેટર્નને જોતા થઈ શકશે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button