જીએસટી 0.2ઃ સંગઠિત એપરલ રિટેલરોની આવકમાં 200 બેસિસ પૉઈન્ટના વધારાની શક્યતા | મુંબઈ સમાચાર
વેપાર

જીએસટી 0.2ઃ સંગઠિત એપરલ રિટેલરોની આવકમાં 200 બેસિસ પૉઈન્ટના વધારાની શક્યતા

નવી દિલ્હીઃ તાજેતરમાં સરકારે ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સના દરોનું તાર્કિકરણ કર્યું હોવાથી વર્તમાન નાણાકીય વર્ષમાં સંગઠિત ક્ષેત્રનાં એપરલ રિટેલરોની આવકમાં 200 બેસિસ પૉઈન્ટનો વધારો થવાની તેમ જ સતત બીજા વર્ષમાં 13થી 14 ટકાનો વૃદ્ધિદર જોવા મળે તેવી શક્યતા એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.

ક્રિસિલ રેટિંગ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા જીએસટીનાં દરનું તાર્કિકરણ કરવામાં આવતા રૂ. 2500થી ઓછા ભાવનાં એપરલ પરનાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી મિડિયમ પ્રીમિયમ સેગ્મેન્ટની માગમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે ફાસ્ટ ફેશન અથવા તો વૅલ્યુ સેગ્મેન્ટમાં માગ જળવાઈ રહેવાનો આશાવાદ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. એકંદરે જીએસટીમાં મર્યાદિત રાહત છતાં સમયસરનો ટેકો મળતાં વૃદ્ધિદર જળવાઈ રહેશે, એમ અહેવલમાં ઉમેર્યું હતું.

અગાઉનાં વેરા માળખામાં રૂ. 1000થી ઓછા મૂલ્યનાં એપરલ પર પાંચ ટકા, રૂ. 1000થી 2500 સુધીનાં મૂલ્યના એપરલ પર 12 ટકા દરનાં માળખા સામે હવે એક જ પાંચ ટકાનો દર રહેતાં વપરાશના વ્યાપમાં વધારો થશે. તેનાથી વિપરીત ક્રિસિલ રેટિંગ્સે જણાવ્યું હતું કે રૂ. 2500થી ઉપરનાં મૂલ્યનાં એપરલ પરનાં જીએસટીનાં દર જે 12 ટકા હતા તે વધીને 18 ટકા થતાં તેની અસર લગ્નસરાનાં એપરલ, ઉનનાં વસ્ત્રો અને એમ્બ્રોઈડરીવાળાં એપરલ સહિતનાં પ્રીમિયમ વસ્ત્રો પર પડશે. નોંધનીય બાબત એ છે કે સંગઠિત એપરલનાં કુલ વેચાણમાં પ્રીમિયમ સેગ્મેન્ટનો હિસ્સો 35 ટકા જેટલો હોય છે.

જોકે, પાંચ ટકાનાં દરનું વિસ્તર રૂ. 2500 સુધીના મૂલ્યના એપરલ સુધી થવાથી ફાસ્ટ ફેશન અથવા વૅલ્યૂ અને મિડ પ્રીમિયમ સેગ્મેન્ટમાં ભાવસ્પર્ધાત્મકતામાં વધારો કરશે. સામાન્યપણે આ સેગ્મેન્ટના ગ્રાહકો ભાવ સંવેદનશીલ વધુ હોય છે. સરકારે તહેવારોના સમયગાળામાં જીએસટીનાં દરમાં ફેરફાર કરતાં ખાસ કરીને મધ્યમ વર્ગના ગ્રાહકોની માગમાં વધારો થવાની શક્યતા ક્રિસિલ રેટિંગ્સનાં સિનિયર ડિરેક્ટર અનુજ સેઠીએ વ્યક્ત કરી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button