જીએસટીનાં દરમાં અસંગતતાથી કોરૂગેટેડ બોક્સ ઉત્પાદકોનું અસ્તિત્વ જોખમાશે

કોલકાતાઃ તાજેતરમાં જીએસટીનાં દરમાં કરવામાં આવેલા તાર્કિકરણને પગલે કોરૂગેટેડ બોક્સ ઉત્પાદકોનું ડ્યૂટીનું માળખુ અસંગત થઈ જવાથી અંદાજે 20,000 એમએસએમઈ ધરાવતા પેકિંગ સેગ્મેન્ટનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જવાની ચિંતા ઔદ્યોગિક સંગઠને વ્યક્ત કરી છે.
જીએસટીનાં દરોમાં કરવામાં આવેલા તાર્કિકરણમાં કોરૂગેટેડ પેપર બોર્ડ બોક્સ પરનાં જીએસટીનાં દર જે 12 ટકા હતા તે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યા છે અને પ્રાથમિક કાચા માલ ગણાતા ક્રાફ્ટ પેપર અને બોર્ડ પરનાં જીએસટીનાં દર જે 12 ટકા હતા તે વધારીને 18 ટકા કરવામાં આવ્યા હોવાનું ઈસ્ટર્ન ઈન્ડિયા કોરૂગેટેડ બોક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે આ ફેરફારોએ ભારે અસમતુલા સર્જી છે. વેરાની અસમતુલાને કારણે ઉદ્યોગ પર 13 ટકાનું વેરા ભારણ વધ્યું છે અને એમએસએમઈની પોસાણક્ષમતા સામે ભીતિ ઊભી થઈ છે.
આ પણ વાંચો: જીએસટીના તાર્કિકરણથી સરકાર પર રાજકોષીય ભારણ વધવાની શક્યતા ઓછીઃ ક્રિસિલ
એસોસિયેશનનાં જણાવ્યાનુસાર આ ઉદ્યોગમાં અંદાજે 10 લાખથી વધુ રોજગાર સંકળાયેલા છે અને વર્ષે 70 લાખ ટન ક્રાફ્ટ પેપરને કોરૂગેટેડ બોક્સમાં રૂપાંતરીત કરી રહ્યા છે. વધુમાં એસોસિયેશને જણાવ્યું હતું કે આ ફેરફારને કારણે ઈનપૂટ ટેક્સ ક્રેડિટ સંકલિત થવાથી ઉત્પાદકોની કાર્યકારી મૂડી સ્થગિત અથવા તો બ્લોક થશે, લેબર, જોબ વર્ક, ભાડાને કારણે સર્વિસીસ ખર્ચમાં વધારો થશે અને ફ્રેઈટનું રિફન્ડ મળતું નથી.
આમ આ તમામને ધ્યાનમાં લેતાં 18 ટકા જેટલું ભારણ વધશે અને પાંચ ટકા ફ્રેઈટનું ભારણ વધતા સરવાળે આ બોજ ગ્રાહકો પર જ વધશે, એમ એસોસિયેશને જણાવતા ઉમેર્યું હતું કે આ અસંગતતાથી બોક્સનાં ખર્ચમાં અંદાજે પાંચથી સાત ટકાનો વધારો થશે. વધુમાં એસોસિયેશને જણાવ્યું હતું કે રિફંડ માટેની બોજારૂપ પ્રક્રિયાઓ, ઓટોમેશનમાં હતોત્સાહ અને નવા રોકાણમાં અવરોધો સરકારનાં મેડ ઈન ઈન્ડિયા તથા વોકલ ફોર લોકલ જેવાં પગલાંઓને પણ નબળા પાડશે.
આ પણ વાંચો: જીએસટીમાં ઘટાડોઃ હેરિટેજ ફૂડ ડેરી ઉત્પાદનોનાં ભાવ ઘટાડશે
આથી અમે સરકારને કોરૂગેટેડ બોક્સ પરના જીએસટીનાં દરને પેપર તથા બોર્ડના દર સાથે સુસંગત કરવા અનુરોધ કર્યો છે જેથી ઉદ્યોગમાં પોસાણક્ષમતા જળવાઈ રહે અને દેશભરમાં પુરવઠા સ્થિતિ પણ જળવાઈ રહે. જીએસટીનાં દરમાં પેરિટી અથવા તો સુસંગતતા રાખવાથી સરકારની મહેસૂલી આવક પર અસર નહીં થાય કેમ કે આ ક્ષેત્રમાં ઈનવર્ડ અને આઉટવર્ડ પુરવઠો બિઝનૅસથી બિઝનૅસ જ હોય છે અને ઈનપૂટ ટેક્સ ક્રેડિટ પણ આગોતરા તબક્કામાં મળતી હોય છે.