ટોપ ન્યૂઝતરોતાઝાનેશનલવેપાર

GST કાઉન્સિલની મીટીંગમાં મહત્વના નિર્ણય, આ વસ્તુઓ અને સેવા થશે સસ્તી

નવી દિલ્હી: ગઈ કાલે સોમવારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitaraman)ની અધ્યક્ષતામાં GST કાઉન્સિલ (GST council)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલે કેન્સરની દવાઓ અને નાસ્તા પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે, જેનો ફાયદો ટૂંક સમયમાં લોકો સુધી પહોંચવાનું શરૂ થશે.

જીવન અને સ્વાસ્થ્ય વીમા (Insurance) પર ટેક્સના દર ઘટાડવા અંગે નિર્ણય લેવમાં આવ્યો નથી, આ અંગે વિચારણા કરવા માટે પ્રધાનોનું એક ગ્રુપ બનાવવામાં આવશે, આ ગ્રુપની અધ્યક્ષતા બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી કરશે, જેઓ હાલમાં GST રેટ રેશનાલાઈઝેશન પેનલનું નેતૃત્વ કરી રહ્યા છે.

GST કાઉન્સિલની 54મી બેઠકમાં આરોગ્ય વીમા પ્રિમિયમ પર GST લાગુ થવાના નિર્ણય સાથે વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા માટે વ્યાપક સર્વસંમતિ સધાઈ હતી. સ્વાસ્થ્ય અને જીવન વીમા પર વર્તમાન GST દર 18 ટકા છે. માનવામાં આવે છે કે આગામી GST બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવશે.

GST કાઉન્સિલે કેન્સરની દવાઓ પર GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા અને નાસ્તા પર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાની જાહેરાત કરી છે. મતલબ કે કેન્સરની દવાઓ અને નાસ્તો ટૂંક સમયમાં સસ્તો થઈ જશે. કેન્સરની દવાઓ – ટ્રાસ્ટુઝુમબ ડેરક્સટેકન, ઓસિમેર્ટિનિબ અને ડરવાલુમબ પરના કરનો દર ઘટાડવામાં આવ્યો છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ‘GST કાઉન્સિલ પ્રધાનોના જૂથની રચના કરવા માટે સંમત થઈ છે, જે હવે અભ્યાસ કરશે અને નક્કી કરશે કે માર્ચ 2026 પછી સમાપ્ત થઈ રહેલા સેસના વળતર પર કેવી રીતે આગળ વધવું.’

માર્ચ 2026 સુધીમાં કુલ સેસ કલેક્શન 8.66 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. લોનની ચૂકવણી કર્યા પછી, અંદાજે 40 હજાર કરોડ રૂપિયાની સરપ્લસની અપેક્ષા છે.

જીએસટીની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશી એરલાઈન્સ દ્વારા આયાત કરવામાં આવતી સેવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે. તેનાથી પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરોને થોડી રાહત મળી શકે છે. કાઉન્સિલે એ પણ નક્કી કર્યું છે કે સીટ શેરના આધારે મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા પર 5 ટકા જીએસટી અને હેલિકોપ્ટર ચાર્ટર પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવશે.

નાણાપ્રધાન સીતારમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા દ્વારા સ્થાપિત યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રો, જેને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે, તેમને હવે રીસર્ચ ફંડ પર GST ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. ઉપરાંત ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા મંજૂર ફ્લાઇટ ટ્રેનીંગ ઓર્ગેનાઈઝેશન(STO) દ્વારા કરવામાં આવતા ફ્લાઇટ તાલીમ અભ્યાસક્રમોને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

GST પેનલે બિઝનેસ-ટુ-કસ્ટમર (B2C) GST ઇન્વૉઇસ રજૂ કરવાનું પણ નક્કી કર્યું. GST ઇન્વોઇસ મેનેજમેન્ટ માટેની આ નવી સિસ્ટમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. જેનાથી રિટેલ ગ્રાહકો પણ GST રિટર્નમાં ઇન્વૉઇસના રિપોર્ટિંગ ચકાસી શકાશે.

કાર સીટ પર જીએસટી 18 ટકાથી વધારીને 28 ટકા કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. મોટરસાઇકલ સીટ સાથે સમાનતા લાવવા માટે આ દર લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે પહેલાથી જ 28 ટકા GST હતો.

નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે અધિક સચિવ (મહેસૂલ) ની આગેવાની હેઠળની અધિકારીઓની એક સમિતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ઇન્ટિગ્રેટેડ GST (IGST)ની વહેંચણી માટેના ફોર્મ્યુલાની તપાસ કરશે. હાલમાં, IGST ખાતું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમાનરૂપે વહેંચાયેલું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત