વેપાર

ગુજરાતના મથકો પાછળ સિંગતેલમાં રૂ. 30નો ચમકારો, આયાતી તેલમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ગુજરાતના મથકો પર આજે સિંગતેલમાં દેશાવરોની તેમ જ સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 35નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25નો ઉછાળો આવ્યાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ખાદ્યતેલ બજારમાં પણ સિંગતેલના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 30નો ચમકારો આવ્યો હતો. વધુમાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરીવેટીવ્સ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પંચાવન રિંગિટ વધી આવ્યાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં આયાતી તેલમાં સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડમાં 10 કિલોદીઠ રૂ. 15 વધી આવ્યા હતા, જ્યારે નિરસ માગે આરબીડી પામોલિનમાં રૂ. પાંચ ઘટી આવ્યા હતા. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે છૂટાછવાયા કામકાજો રહ્યાના અહેવાલ હતા.

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1271 અને સોયા રિફાઈન્ડના રૂ. 1331, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના રૂ. 1255, ઈમામીના સોયા રિફાઈન્ડના રૂ. 1300, રિલાયન્સ ક્નઝ્યુમરના સોયા રિફાઈન્ડના રૂ. 1295, એડબ્લ્યુએલના આરબીડી પામોલિન અને સન રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1245 અને રૂ. 1535, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1313 અને પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના ફેબ્રુઆરી ડિલિવરી શરતે રૂ. 1268 અને માર્ચ ડિલિવરી શરતે રૂ. 1270 ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ છૂટાછવાયા વેપારો પણ ગોઠવાયા હતા.

આ પણ વાંચો: મથકો પાછળ સિંગતેલમાં રૂ. 10નો સુધારો, અન્ય દેશી તેલમાં નરમાઈ…

આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 25,000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1200થી 1430માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે આજે કામકાજો બંધ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે બે લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 4800થી 5100માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 5075થી 5150માં થયાના અહેવાલ હતા.

હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી તેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1265, સોયા રિફાઈન્ડના રૂ. 1315, સન રિફાઈન્ડના રૂ. 1545, સિંગતેલના રૂ. 1640, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1300 અને સરસવના રૂ. 1505ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2540માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1600માં થયા હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button