આઈટી મંત્રાલયે ફ્રોડ લોન એપની જાહેરાતો માટે આપ્યું આ મોટું નિવેદન

નવી દિલ્હીઃ ભારતમાં ઘણી એવી લોન એપ્સની જાહેરાતો જોવા મળે છે જે ગ્રાહકોને છેતરતી હોય છે. જેના કારણે હજારો લાખો લોકો શિકાર બની રહ્યા છે. છેતરપિંડીના વધી રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. મંગળવારે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને છેતરપિંડી લોન એપ્લિકેશન્સની જાહેરાત ન કરવા ચેતવણી આપવામાં આવી હતી.
મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે છે કે જો કોઈ પ્રકારનું કૌભાંડ થશે તો જાહેરાત આપનાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જવાબદાર રહેશે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ગુગલ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં મંત્રાલયે જણાવ્યું હતું કે સાત દિવસની અંદર નિર્દેશનું પાલન કરવું જો નિર્દેશનું પાલન કરવામાં નહી આવે તો શોસિયલ મિડીયા પ્લેટફોર્મ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આવી જાહેરાતો હોસ્ટ કરવાથી રોકવા માટે હાલના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમોમાં સુધારો કરવામાં આવશે. નિયમોના સુધારા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવી જાહેરાતો બતાવવા માટે કાયદાકીય સંકટમાંથી બચી શકશે નહીં.
એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું હતું કે પ્લેટફોર્મો પર લોન અને સટ્ટાબાજીની એપ્સ કે જે લોકોને છેતરતી હોય તેવી કોઈપણ જાહેરાતને મંજૂરી ન આપવા માટે વધારાના પગલાં લેવામાં આવશે અને તેમ છતાં જો કોઈ પ્લેટફોર્મ આવી કોઈ જાહેરાત બતાવશે તો તેના માટે તે સંપૂરંણપણે જવાબદાર રહેશે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે આઇટી મંત્રાલય આ મુદ્દા પર ભારતીય રિઝર્વ બેંક સાથે ઘણા મહિનાઓથી ચર્ચા કરી રહ્યું છે, પરંતુ હાલમાં આ સમસ્યાનો ઉકેલ શોધવા માટેના અમારા પ્રયાસોને વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરબીઆઈ અને નાણા મંત્રાલય બંને સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો ચાલુ છે. શક્ય તેટલી ઝડપથી આ છેતરપિંડી વાળી લોન એપ્સ પર કાર્યવાહી કરવામાં આવશે.