સ્ટીલ ક્ષેત્રમાં ડિકાર્બનાઈઝેશનને પ્રોત્સાહન માટે સરકારની રૂ. 5000 કરોડની સ્કીમની યોજના

નવી દિલ્હીઃ દેશમાં ક્લિન સ્ટીલનાં ઉત્પાદનની ટેક્નોલૉજીની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરીને કાર્બન ઉત્સર્જનનાં પ્રમાણને ઘટાડવા માટે સરકાર રૂ. 5000 કરોડની સ્કીમની દિશામાં કાર્ય કરી રહી હોવાનું સ્ટીલ સચિવ સંદીપ પૉન્ડ્રિકે તાજેતરમાં જણાવ્યું હતું.
અત્રે યોજાયેલ `એફટી લાઈવ એનર્જી ટ્રાન્ઝિશન સમિટ ઈન્ડિયા’ પશ્ચાત પત્રકાર વર્તુળોને સંબોધતા સ્ટીલ સચિવે જણાવ્યું હતું કે નેશનલ મિશન ફોર સસ્ટેઈનેબલ સ્ટીલ હેઠળ રૂ. 5000 કરોડની સ્કીમનો આ પ્રસ્તાવ વિચારણા હેઠળ છે. આ સ્કીમમાં સેક્નડરી ખેલાડીઓ માટેનાં 75થી 80 ટકાના ભંડોળ સાથે દેશભરના તમામ સ્ટીલ ઉત્પાદકોને આવરી લેવામાં આવશે.
આ પણ વાંચો : સ્ટીલની માગ વૃદ્ધિ દ્વીઅંકી સંખ્યામાં જળવાયેલી રહેશે
આ સ્કીમનો મુખ્ય હેતુ ક્લિન ટેક્નોલૉજીનાં ઉપયોગ અને વૈકલ્પિક મટિરિયલ સાથે સ્ટીલનાં ઉત્પાદનમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો હોવાનું પૉન્ડ્રિકે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી થોડા મહિનાઓમાં આ સ્કીમ કાર્યાન્વિત થઈ જવાની શક્યતા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે નેટ-ઝીરો ક્નટ્રી માટે થયેલા પેરિસ કરારમાં ભારતે પણ સહીસિક્કા કર્યા હોવાથી આ સ્કીમ મહત્ત્વ ધરાવે છે.
આ સ્કીમ અંગે વધુ જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે આગલા વર્ષની સરખામણીમાં ઉત્પાદકે કાર્બન ઉત્સર્જનમાં જેટલી માત્રામાં ઘટાડો કર્યો હશે તે અનુસાર સ્કીમ હેઠળ પ્રોત્સાહન મળશે. અમારુ માત્ર એટલું જ કહેવું છે કે ટેકનોલૉજીમાં સુધારો કરો, અમે જે આઉટપૂટ પેરામીટર માપી રહ્યા છે તે ડિકાર્બનાઈઝેશન (કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાનું પ્રમાણ) છે.
આ પણ વાંચો : સ્ટીલ પરની 12 ટકા સેફગાર્ડ ડ્યૂટી પર્યાપ્ત, આયાત પડકાર વધશે તો ડ્યૂટી વધારાની માગ કરાશે
અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલી ઊંચી ટૅરિફ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ઍલૉયના વપરાશમાં વધારો થઈ રહ્યો હોવાથી અમેરિકાની ઊંચી ટૅરિફની સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ પર ખાસ અસર જોવા નહીં મળે. વધુમાં દેશમાં થતાં સ્ટીલનાં કુલ 15.2 કરોડ ટનના ઉત્પાદન સામે અમેરિકા ખાતે નિકાસ માત્ર એક લાખ ટન જેટલી જ થતી હોવાથી ટૅરિફની અસર નગણ્ય જેવી રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.