વેપાર

આ વસ્તુઓ બનશે મોંઘી, પણ આ મોંઘવારી તમને નડશે નહીં, ફાયદો કરશે

નવી દિલ્હીઃ દેશમાં જ્યારથી જીએસટી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાદવામાં આવ્યો છે ત્યારથી મોટાભાગની વસ્તુઓ અને સેવા મોંઘી થઈ ગઈ છે. આ મોંઘવારીનો માર માત્ર ગરીબ અને મધ્યમવર્ગ નહીં પણ ઉચ્ચ મધ્યમવર્ગ પણ ઝીલી રહ્યો છે અને ફરિયાદો પણ થઈ રહી છે, પરંતુ એકાદ મહિનામાં સરકારના એક નિર્ણયથી અમુક વસ્તુઓ મોંઘી થવાની સંભાવના છે, જોકે જો તમે સમજદારીપૂર્વક કામ લેશો તો આ મોંઘવારી તમને નુકસાન કરતા ફાયદો વધારે પહોંચાડે તેમ છે.

આ વસ્તુઓ પર 40 ટકા જીએસટી લાદશે સરકાર
સિગારેટ અને તમાકુ ખાનારાઓને ભલે આંચકો લાગે, પણ ક્યાંક જો આ વસ્તુઓ મોંઘી થશે અને તેનું સેવન ઘટશે તો વ્યક્તિ અને દેશના આરોગ્ય માટે સારું જ કહેવાશે. સરકાર સિગારેટ અને તમાકુથી બનતી વસ્તુઓ પર જીએસટી વધારવાનો વિચાર કરી રહી છે. આ જાહેરાત નવા નાણાકીય વર્ષથી લાગુ પડશે, તેમ પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મળતી વિગતો અનુસાર સરકાર આ ઉત્પાદનો પરના કમ્પેન્સશન સેસ હટાવીને GST વધારવા માંગે છે. શરીર-આરોગ્યને નુકસાન કરતા અને ગંભીર બીમારી નોતરતા આ ઉત્પાદનો પર WHO દ્વારા ભલામણ કરાયેલ 75 ટકાથી ઘણો ઓછો ટેકસ ભારતમાં હાલમાં લાગુ છે.

ભારત સરકાર સિગારેટ અને અન્ય તમાકુ સંબંધિત ઉત્પાદનો પર કમ્પેન્સશન સેસ દૂર કરીને GST વધારવા પર વિચાર કરી રહી છે. હાલમાં સેસ અને અન્ય ટેક્સ ઉપરાંત સિગારેટ અને અન્ય ઉત્પાદનો પર 28 ટકા GST વસૂલવામાં આવે છે. આથી કુલ 53 ટકા ટેક્સ વસૂલાઈ રહ્યો છે. GSTને વધારીને 40 ટકા કરવા અને તેની ઉપર વધારાની એક્સાઈઝ ડ્યૂટી લાદવા અંગે સરકાર સક્રિયપણે વિચાર કરી રહી છે.

Also read: જીએસટીની આવકમાં દસ ટકાનો વધારો

અધિકારીઓનું કહેવું છે કે સરકાર સેસની ટકાવારી મામલે કોઈ ફેરફાર કરવાનું પસંદ નહીં કરે આથી જીએસટી જ વધારવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લઈ શકાય છે. એક અધિકારીએ જણાવ્યું કે, સેસને અસરકારક ગણવામાં આવતો નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પેનલ તેનો રિપોર્ટ સબમિટ કરતા પહેલા તમામ વિકલ્પો પર વિચાર કરશે. આ પછી GST કાઉન્સિલ ભલામણો પર અંતિમ નિર્ણય લેશે.
હાલમાં વસૂલવામાં આવતા તમામ ટેક્સ બાદ વર્ષ 2022-23માં સરકારને રૂ. 72,788 કરોડની કમાણી થઈ છે.
સિગારેટ સહિતના ઉત્પાદનોનો ભાવ વધશે તો કાં તો સરકારી તિજોરીમાં વધારે નાણા આવશે અથવા જો લોકો સિગારેટનું સેવન ઓછું કરશે તો આરોગ્ય સેવાઓ પર ખર્ચવામાં આવતા નાણાનો બોજ ઓછો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button