શણના વધતા ભાવ અંકુશમાં રાખવા સરકારે સ્ટોક મર્યાદા લાદીઃ મિલરોમાં રોષ

કોલકાતાઃ સ્થાનિક સ્તરે કાચા શણના વધતા ભાવને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે આજે ટ્રેડરો, બેલર્સો અને મિલરો પર મહત્તમ સ્ટોક મર્યાદા લાદવાનો ઓર્ડર જારી કર્યો છે. આ સંદર્ભે દ્દ્યોગિક વર્તુળોનું માનવું છે કે આ પગલાંથી ટૂંકા સમયગાળા માટે પુરવઠામાં વધારો જોવા મળશે, પરંતુ લાંબાગાળા સુધી બજાર સ્થિર નહીં રહી શકે.
તાજેતરમાં શણના ભાવ વધીને ક્વિન્ટલદીઠ રૂ. 9000 સુધી પહોંચી ગયા હોવાથી મિલરોને કાચા માલનો પુરવઠો ઉપલબ્ધ થવામાં મુશ્કેલી થઈ રહી હોવાથી મિનિસ્ટ્રી ઑફ ટેક્સ્ટાઈલ હેઠળના જ્યૂટ કમિશનરે ઓર્ડર જારી કરીને બેલર્સો માટે વધુમાં વધુ 2000 ક્વિન્ટલ રૉ જ્યૂટ, અન્ય સ્ટોકિસ્ટો માટે 300 ક્વિન્ટલ અને મિલો માટે સરેરાશ 45 દિવસની વપરાશી માગ કરતાં વધુ સ્ટોક ન રાખવાનો આદેશ આપ્યો છે.
તાજેતરમાં સરકાર દ્વારા મુકવામાં આવેલા સ્ટોક અંગેના નિયંત્રણો સંગ્રહખોરો માટે અવરોધક થઈ શકે, પરંતુ મિલરો માટે તે ગેરવાજબી છે કેમ કે જો સિઝનની શરૂઆતમાં કાચા શણ પર સ્ટોક મર્યાદા લાદવામાં આવે તો શેષ વર્ષમાં અમને શણની ગૂણીઓનું ઉત્પાદન વધારવા અને સરકારી ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આથી અમે મોસમના આરંભમાં જ સ્ટોક મર્યાદાને સમર્થન નથી આપી રહ્યા એમ ઈન્ડિયન જ્યૂટ મિલ્સ એસોસિયેશનનાં ચેરમેન રાઘવેન્દ્ર ગુપ્તાએ પીટીઆઈને જણાવ્યું હતું.
વધુમાં ગુપ્તાએ જણાવ્યું હતું કે મિલરો પાસે સરેરાશ 25 દિવસનો સ્ટોક છે જે આશરે પાંચ લાખ ગાંસડી આસપાસનો છે. કાચા શણનો સંગ્રહ `મોકામ’ અર્થાત્ ગામડાઓની બજારનાં સ્તરે થતો હોવાથી તે મિલોમાં ભાગ્યે જ આવતો હોય છે. તેમણે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશથી લેન્ડ બંદર દ્વારા આયાત પર પ્રતિબંધો અને ઉત્પાદનમાં ઘટાડો મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે.
પરંપરાગત ધોરણે મોસમના આરંભે મિલો પાસે 10 લાખ ગાંસડીનો સ્ટોક હોય છે, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં તહેવારો હોવાથી પેકેજિંગ માટેની માગને ધ્યાનમાં લેતા સ્ટોકનું સ્તર નીચું રહ્યું હોવાનું મિલરોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત જ્યૂટ બેલર્સ એસોસિયેશનના સભ્ય જય બાંગરાએ સંગ્રહખોરીના આક્ષેપો ફગાવતા કહ્યું હતું કે આ વર્ષે કાચા શણના ઉત્પાદનમાં 10થી 15 ટકાનો ઘટાડો થયો છે અને વર્તમાન મોસમમાં કેરી ઓવર સ્ટોક ગત સાલની 30 લાખ ગાંસડીની સરખામણીમાં 10 લાખ ગાંસડી કરતાં વધુ નથી. આમ ઓછું ઉત્પાદન એને ઓછા કેરી ઓવર સ્ટોક ઉપરાંત બાંગ્લાદેશથી આયાત સામેના પ્રતિબંધ ભાવમાં આવેલા ઉછાળાના મુખ્ય કારણો છે, સંગ્રહખોરી નથી. આથી સરકારનું આ પગલું લાંબા સમયગાળા માટે અસરકારક પુરવાર નહીં થાય, એમ તેમણે ઉમેર્યું હતું.