વેપાર

વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનું ₹ ૫૯૯ ઉછળ્યું, ચાંદી ₹ ૪૨૫ વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થયાના નિર્દેશો સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવી ગયા બાદ આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે ફુગાવામાં ઘટડાનો આશાવાદ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯૭થી ૫૯૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૨૫નો ઉછાળો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સોનામાં ગઈકાલના વિશ્ર્વ બજારનાં પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯૭ વધીને રૂ. ૭૨,૬૪૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯૯ વધીને રૂ. ૭૨,૯૩૪ના મથાળે રહ્યા હતા. જોકે, તેજીનાં માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ મધ્યસત્ર બાદ સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૨૫ની તેજી સાથે રૂ. ૮૪,૫૦૫ના મથાળે રહ્યા હતા. એકંદરે ગઈકાલે અમેરિકાનાં એપ્રિલ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ પર સોનાના ભાવમાં એક ટકા જેટલી તેજી આવ્યા બાદ આજે મોડી સાંજે અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહ્યો હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩૬૩.૨૩ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩૬૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૭૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલ સોનાના ભાવમાં ડેટા આધારિત વધઘટ થઈ રહી છે. જો આજે અમેરિકાનાં એપ્રિલ મહિનાના ફુગાવામાં થોડો ઘટાડો જોવા મળશે તો ફેડરલ દ્વારા રેટ કટના આશાવાદે સોનામાં તેજીનું વલણ જોવા મળશે અન્યથા ભાવમાં ઘટાડો જોવા મળશે એમ કેપિટલ ડૉટ કૉમનાં વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સામાન્યપણે ઊંચા ફુગાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ ઊંચા વ્યાજદરને કારણે બૉન્ડની યિલ્ડમાં વધારો થવાથી રોકાણકારોની માગ બૉન્ડ તરફ વળી રહી છે. તેમ જ ફેડરલ રિઝર્વ જ્યાં સુધી ફુગાવો અંકુશ હેઠળ ન આવે ત્યાં સુધી વ્યાજદર ઊંચા રાખે તેમ હોવાથી સોનામાં હેજરૂપી માગનો અભાવ રહે છે. જોકે, ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગત મંગળવારે ફુગાવામાં ઘટાડો થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button