સોનામાં ₹ ૩૮૧ની તેજી, ચાંદી ₹ ૯૧૧ ઉછળીને ₹ ૬૯,૦૦૦ની પાર
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની બેઠકમાં હળવું વલણ અપનાવે તેવી શક્યતા સપાટી પર આવતા વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં ઘટ્યા મથાાળેથી ઉછાળો આવ્યો હતો, જેમાં સોનાના ભાવ ૦.૬ ટકા વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યાના અને ચાંદીના ભાવ ૧.૩ ટકા ઉછળ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૧૧ના ઉછાળા સાથે ફરી રૂ. ૬૯,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે સોનામાં રૂ. ૩૭૯થી ૩૮૧ની તેજી આવી હતી. જોકે, આજે ડૉલર નબળો પડવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ વધ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૧૧ ઉછળીને રૂ. ૬૯,૪૯૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૯ના સુધારા સાથે રૂ. ૫૭,૬૨૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૮૧ વધીને રૂ. ૫૭,૮૬૦ના મથાળે રહ્યા હતા.
મિનિયાપૉલિસ ફેડનાં પ્રેસિડૅન્ટ નીલ કશ્કરીએ ગઈકાલે જણાવ્યું હતું કે લાંબાગાળાની ટ્રેઝરીની યિલ્ડમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વને હવે વધુ વ્યાજદરમાં વધારો કરવાની આવશ્યકતા નહીં રહે, જ્યારે એટલાન્ટા ફેડના પ્રેસિડૅન્ટે પણ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતા નકારી કાઢી હતી. આમ વ્યાજદરમાં વધારાની શક્યતા પાતળી થતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૮૭૧.૯૦ ડૉલર અને ૧૮૮૬.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૩ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં મધ્યપૂર્વનાં દેશોની તણાવની સ્થિતિને કારણે સોનામાં સલામતી માટેની માગને ટેકે સુધારો જોવા મળ્યો છે, પરંતુ ભવિષ્યની વધઘટનો આધાર અમેરિકાનાં ફુગાવાના ડેટા અને આગામી નાણાનીતિની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે કે નહીં તેના પર અવલંબિત રહેશે, એમ વિશ્ર્લેષકો જણાવે છે.