ચાંદીમાં ₹ ૧૪૯૦ની તેજી, ₹ ૯૯,૦૦૦ની સપાટી કુદાવી પાછી ફરી: સોનું ₹ ૪૪૧ ઝળક્યું
રાજકીય-ભૌગોલિક અનિશ્ર્ચિતતા વચ્ચે વૈશ્ર્વિક સોનાચાંદીમાં ઉછાળા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં તણાવ અને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે સોના-ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની પ્રબળ માગ રહેતાં ભાવ નવી વિક્રમ સપાટી સર કરી રહ્યા છે. તેમ જ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં આગેકૂચ જળવાઈ રહેતા આજે એક તબક્કે મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૭૯ની તેજી આગળ ધપતા ભાવ રૂ. ૯૯,૦૦૦ની સપાટી વટાવી ગયા બાદ ભાવમાં પીછેહઠ જોવા મળી હતી અને સત્રના અંતે કિલોદીઠ રૂ. ૧૪૯૦ વધી આવ્યા હતા, જ્યારે સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૯થી ૨૪૧ની આગેકૂચ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરા રહિત ભાવ કિલોદીઠ રૂ. ૧૭૭૯ની આક્રમક તેજી સાથે રૂ. ૯૯,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૯૯,૧૫૧ના મથાળે રહ્યા બાદ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને નફારૂપી વેચવાલી નીકળતા સત્રના અંતે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૯૦ વધીને રૂ. ૯૮,૮૬૨ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ વેરા રહિત ધોરણે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩૯ વધીને રૂ. ૭૮,૩૭૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૪૧ વધીને રૂ. ૭૮,૬૯૨ના મથાળે રહ્યા હતા. જોકે, તેજીના આ માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહી હતી. આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારો પૂર્વે સોનામાં તેજીના ફૂંકાયેલા પવનને ધ્યાનમાં લેતા અપેક્ષિત માગનો વસવસો રહેવાની ભીતિ જ્વેલરોમાં સેવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વનાં દેશોના રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા એક તરફ સોના-ચાંદીને સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાનો ટેકો મળતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૭૫૮.૩૭ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૧ ટકો વધીને ઔંસદીઠ ૨૭૫૦.૬૮ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ૨૭૬૪.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ જે ગઈકાલે વધીને વર્ષ ૨૦૧૨ પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૩૪.૮૭ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા તે સાધારણ ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૩૪.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હાલ અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના બન્ને ઉમેદવારો ફુગાવાલક્ષી નીતિની તરફેણ કરી રહ્યા હોવાથી સોનાની તેજીને ટેકો મળી રહ્યો છે, જ્યારે ચાંદીને હાજર માલની ખેંચનો મજબૂત ટેકો મળી રહ્યો હોવાનું સ્કોર્પિયન મિનરલ્સનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર મિશલ લૅન્ગફોર્ડે જણાવતા ઉમેર્યું હતું કે સામાન્યપણે સોના-ચાંદીને આર્થિક અને ભૌગોલિક અનિશ્ર્ચિતતાઓમાં સલામતી માટેની માગનો વ્યાપક ટેકો મળતો હોય છે. વધુમાં હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૮૯ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.