વેપાર

સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપના ફેડરલના સંકેતે સોનામાં ₹ ૪૧૨નો અને ચાંદીમાં ₹ ૪૯૦નો ચમકારો

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવાની સાથે આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કપાતના સંકેત આપવાની સાથે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં આજે લંડન ખાતે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. તેમ છતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ગઈકાલના વિશ્ર્વ બજારના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડતાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૧થી ૪૧૨નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૯૦નો ચમકારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત રૂપિયો નબળો પડતાં હાજરમાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. જોકે સ્ટોકિસ્ટોની લેવાલી પાંખી રહી હોવા છતાં રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૧ વધીને રૂ. ૬૯,૪૪૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૧૨ વધીને રૂ. ૬૯,૭૨૧ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૯૦ વધીને રૂ. ૮૩,૪૬૪ના મથાળે રહ્યા હતા. દરમિયાન ગઈકાલે ફેડના વ્યાજદરમાં કપાતના સંકેતો બાદ ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં બાઉન્સબૅક જોવા મળતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪૩૬.૭૪ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ૨૪૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે બે દિવસીય નીતિવિષયક બેઠક પશ્ર્ચાત્ જણાવ્યું હતું કે જો અમેરિકી અર્થતંત્ર આ જ ગતિએ આગળ વધતું રહેશે તો ફુગાવા સામેની બે વર્ષ કરતાં વધુ સમયગાળાની લડતનો અંત આવશે અને વહેલામાં વહેલા આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત થશે. આમ ફેડરલના વ્યાજદરમાં કપાતના સંકેત ઉપરાંત મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ સાથે સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતાં ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો. જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકશે તો સોનામાં તેજીનું વલણ જળવાઈ રહેશે અને આ વર્ષે સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૫૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વિન્ગ ફંગ પ્રીસિયસ મેટલના હેડ પીટર ફંગે વ્યક્ત કરી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના રોજગારીના ડેટા પર સ્થિર થઈ છે અને જો ડેટા અપેક્ષા કરતાં મજબૂત આવે તો સોનાના ભાવમાં હાલના મથાળેથી ઘટાડો જોવા મળે તેવી શક્યતા સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ્ટ સેમ્પસને જણાવ્યું હતું, જ્યારે અન્ય એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે ઈઝરાયલના હુમલામાં હમાસના નેતા ઈસ્માઈલ હનિયાના મોત બાદ મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક સ્થિતિ વણસવાને કારણે આગામી સમયગાળામાં સોનાને સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button