વેપાર અને વાણિજ્ય

યુદ્ધના ભણકારા વાગતા વિશ્ર્વ બજાર પાછળ સોનામાં આગઝરતી તેજી

સાપ્તાહિક ધોરણે ભાવમાં રૂ. ૩૨૯૨નો તોતિંગ ઉછાળો

કોમોડિટી -રમેશ ગોહિલ

વિતેલા સપ્તાહ દરમિયાન અમેરિકા ખાતે ગત માર્ચ મહિનાનો ફુગાવો ૩.૫૦ ટકાની ઊંચી સપાટીએ રહ્યો હતો. આમ ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંઘળી બની જતાં સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, આ ઘટાડા પશ્ર્ચાત્ મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે ઈરાને ઈઝરાયલ પર નજીકના ભવિષ્યમાં હુમલો કરવામાં આવશે એવી ચેતવણી ઉચ્ચારતા સોનામાં રોકાણકારોની સલામતી માટેની પ્રબળ માગ નીકળી હતી અને વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો ઝડપી ઉછાળો આવ્યો હતો અને એક તબક્કે ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી કુદાવીને પાછા ફર્યા હતા. આમ ફુગાવાની જાહેરાત પછીથી સોનાના ભાવમાં જોવા મળેલો ઘટાડો ક્ષણભંગુર નિવડ્યો હતો. એકંદરે ગત સપ્તાહે સોનાના ભાવમાં ઝડપી તેજીનો પવન ફુંકાઈ જતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ તેજીનો અન્ડરટોન જોવા મળ્યો હતો. જોકે, તેજીના આ માહોલમાં રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો સહિત રિટેલ સ્તરની લેવાલી પણ તળિયે બેસી ગઈ હતી, પરંતુ ઊંચા મથાળેથી જૂના સોનામાં વેચવાલીનું દબાણ અને રિટેલ સ્તરેથી રિસાઈકલિંગના પ્રમાણમાં વધારો થયો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહ દરમિયાન ૧૧મી એપ્રિલનાં રોજ રમઝાન ઈદ નિમિત્તે એસોસિયેશન સત્તાવાર ધોરણે બંધ હોવાથી ભાવની જાહેરાત નહોતી કરવામાં આવી. ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત પાંચમી એપ્રિલના રૂ. ૬૯,૮૮૨ના બંધ ભાવ સામે સપ્તાહની નીચી રૂ. ૭૧,૦૬૪ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહના અંતે ઊંચી રૂ. ૭૩,૧૭૪ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૯૨ અથવા તો ૪.૭૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. અત્રે ઉલ્લેનીય બાબત એ છે કે ગત સપ્તાહ દરમિયાન ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

એકંદરે અમેરિકા ખાતે ફુગાવામાં વધારો થવાની સાથે આર્થિક ડેટાઓ પણ મજબૂત આવી રહ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં ઉતાવળ ન કરે તેવી શક્યતા વધુ પ્રબળ બની હતી. વધુમાં ગત સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરવામાં આવે તેવો અણસાર આપ્યો હતો. તેમ છતાં મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધવાને કારણે સોનામાં સલામતી માટેની પ્રબળ માગ ખૂલતાં સોનામાં એકતરફી તેજીનો માહોલ જોવા મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ એડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકામાં ફુગાવામાં વધારો અને રોજગારીના ડેટા મજબૂત આવ્યા હોવા છતાં ઈરાને ઈઝરાયલ પર નજીકના ભવિષ્યમાં હુમલો કરવાની ચેતવણી ઉચ્ચારતા સોનામાં એકતરફી તેજી આગળ ધપી હતી અને સતત ચોથા સપ્તાહમાં ભાવમાં સાપ્તાહિક ધોરણે ભાવ વધારો આગળ ધપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્તમાન વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૧૫ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. તેમ જ રાજકીય ભૌગોલિક ચિંતા વચ્ચે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સાપ્તાહિક ધોરણે એક ટકા જેટલો ઉછાળો આવ્યો હતો અને ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સ પાંચ મહિનાની ટોચ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.

સામાન્યપણે ઊંચા વ્યાજદરના સંજોગોમાં વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી નિરસ રહેતી હોય છે. અમારા મતાનુસાર આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૨૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શકયતા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧,૫૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૭૪,૦૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે.

ગત સપ્તાહના અંતે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી કુદાવીને ૨૪૧૯.૭૯ ડૉલર સુધી ક્વૉટ થયા બાદ સત્રના અંત આસપાસ આગલા બંધથી ૦.૮ ટકા વધીને ૨૩૫૩.૩૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા વધીને ૨૩૭૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરની સોનાની એકતરફી તેજીને કારણે બજાર વર્તુળો કરેક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ઈઝરાયલ પર હુમલા અંગેની ઈરાનની ચેતવણીને કારણે વિશ્ર્વ બજારમાં સોનું વધુ ને વધુ મજબૂત થઈ રહ્યું હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઓલે હાસને જણાવ્યું હતું. હાલની સોનાની એકતરફી તેજીને ધ્યાનમાં લેતાં ગોલ્ડમેન સાશે આ વર્ષના અંતે વૈશ્ર્વિક સોનાના ભાવનો અંદાજ જે ઔંસદીઠ ૨૩૦૦ ડૉલર આસપાસ રહેવાનો મૂક્યો હતો તે વધારીને ૨૭૦૦ ડૉલરનો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?