સોનામાં વધુ ₹ ૫૫૩નો ઉછાળો, ચાંદીએ ₹ ૮૨,૦૦૦ની સપાટી કુદાવી

ઊંચા મથાળેથી ગૂડીપડવાની અપેક્ષિત માગનો વસવસો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલે અમેરિકામાં જાહેર થનારા ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહ્યો હતો. તેમ છતાં કેન્દ્રવર્તી બૅન્કોની વ્યાપક લેવાલી, ફંડો અને રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સતત આઠમા સત્રમાં તેજી આગળ ધપી હતી. તેમ જ હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૩૬૫.૦૯ ડૉલરની ઊંચી સપાટી સુધી પહોંચ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૦થી ૫૫૩ની તેજી આગળ ધપી હતી અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૦૪ના ઉછાળા સાથે રૂ. ૮૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવા છતાં જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહી હતી. તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૦૪ની તેજી સાથે કિલોદીઠ રૂ. ૮૨,૧૦૦ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની માગ પણ શુષ્ક હોવા છતાં વિશ્ર્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૦ વધીને રૂ. ૭૧,૫૪૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫૩ વધીને રૂ. ૭૧,૮૩૨ના મથાળે રહ્યા હતા. જોકે આજે ગૂડી પડવાનો સપરમો દહાડો હોવા છતાં ઊંચા મથાળેથી રિટેલ સ્તરની અપેક્ષિત માગનો વસવસો રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે મુખ્યત્વે કેન્દ્રવર્તી બૅન્કોની અનામત માટે સોનામાં લેવાલી જળવાઈ રહેવા ઉપરાંત ફંડોની લેવાલી અને રશિયા-યુક્રેન તથા મધ્યપૂર્વના દેશોમાં વધેલા રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતાં સલામતી માટેની માગને ટેકે હાજરમાં એક તબક્કે સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૩૬૫.૦૯ ડૉલરની વિક્રમ સપાટીએથી પાછા ફર્યા હતા અને ભાવ ગઈકાલના બંધ સામે ૧.૧ ટકા વધીને ૨૩૬૩.૪૨ ડૉલર આસપાસ તથા હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો વધીને ઔંસદીઠ ૨૮.૧૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે છેલ્લા એક મહિનાથી વૈશ્ર્વિક બજારમાં ચાંદીની સરખામણીમાં સોનામાં વધુ તેજીનું વલણ રહ્યું હોવાથી હવે છેલ્લા બે-ત્રણ સત્રથી ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ વધ્યું હોવાનું ઓએએનડીએના એશિયા પેસિફિકનાં વિશ્ર્લેષક કેલ્વિન વૉંગે જણાવ્યું હતું.
વધુમાં સોના અંગે કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું કે હાલમાં નાણાં બજારમાં સોનાની ગણના મુખ્ય અસ્ક્યામત તરીકે થઈ રહી હોવાથી સોનાની તેજીને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો ટેકો મળી રહ્યો છે. જોકે આજે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ અને માર્ચ મહિનાના ફુગાવાના ડેટા પર હોવાથી તેઓએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાનું જણાય છે.
દરમિયાન આજે બૅન્ક ઑફ અમેરિકાએ વર્ષ ૨૦૨૫માં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૩૦૦૦ ડૉલર અને મજબૂત ઔદ્યોગિક માગને ટેકે ચાંદીના ભાવ ઔંસદીઠ ૩૦ ડૉલર સુધી પહોંચે તેવી ધારણા મૂકી છે.