રાજકીય-ભૌગોલિક ચિંતા વચ્ચે વૈશ્વિક સોનામાં સટ્ટાકીય લેવાલીએ ભાવ નવી ટોચે
સ્થાનિકમાં શુદ્ધ સોનાએ રૂ. ૭૧,૦૦૦ની અને ચાંદીએ રૂ. ૮૧,૦૦૦ની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવા છતાં આજે વિશ્ર્વ બજારમાં ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધતાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક સટ્ટાકીય લેવાલી નીકળતાં લંડન ખાતે સોનાના હાજર અને વાયદાના ભાવમાં અનુક્રમે ૦.૩ ટકા અને ૦.૪ ટકાનો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૩૫૩.૭૯ ડૉલરની સપાટી સુધી પહોંચી ગયા હતા.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૭૭થી ૧૧૮૨નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. ૭૧,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૨૮૭ની તેજી સાથે રૂ. ૮૧,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૨૮૭ ઉછળીને રૂ. ૮૧,૩૮૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહી હતી.
વધુમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં આગઝરતી તેજી આગળ ધપતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૭૭ વધીને રૂ. ૭૦,૭૭૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૧૮૨ વધીને રૂ. ૭૧,૦૬૪ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક હતી, પરંતુ જૂના સોનામાં વેચવાલીનું દબાણ અને રિસાઈકલિંગના પ્રમાણમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા જૂનથી વ્યાજદરમાં કપાતની શરૂઆતના આશાવાદે સોનામાં તેજીનું વલણ રહ્યા બાદ હવે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધવાને કારણે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ તથા કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી નીકળતાં તેજીને વધુ ઈંધણ મળ્યું હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં ફાઈનાન્સિય માર્કેટ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે જો હાલના વાયદાના ભાવ જોતા સોનામાં તેજી માટેના આશાવાદમાં અતિરેક જણાય છે. તેજ પ્રમાણે સિટી ઈન્ડેક્સનાં એનાલિસ્ટ મેટ્ટ સિમ્પસને મોટી માત્રામાં નફારૂપી વેચવાલીની શક્યતા વ્યક્ત કરી હતી.
ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૩૫૩.૭૯ ડૉલરની સપાટીએથી પહોંચીને પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ આગલા બંધ સામે વધુ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩૩૫.૭૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૨૩૫૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૧.૧ ટકા ઉછળીને ૨૭.૭૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
દરમિયાન યુબીએસએ ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪ના મધ્યથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા સાથે વર્ષના અંતે વૈશ્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૨૫૦ ડૉલર આસપાસની સપાટીએ રહે તેવી ધારણા મૂકી હોવાના અહેવાલ છે.