સોનામાં ₹ ૩૩નો ધીમો સુધારો, ચાંદી ₹ ૪૩૩ વધુ ઘટી
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે વ્યાજદરમાં કાપ મૂકવામાં ઉતાવળ નહીં કરવામાં આવે અને સાવચેતીપૂર્વક નિર્ણય લેવામાં આવશે એવો અણસાર આપતા ગઈકાલે ડૉલર ઈન્ડેકસ અને ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હતો અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઘટીને ગત ૨૫ જાન્યુઆરી પછીની નીચી સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે પણ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને યિલ્ડમાં મક્કમ વલણ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૪૩૩નો ઘટાડો આગળ ધપ્યો હતો, જ્યારે સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩નો સાધારણ ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૩૩ના ઘટાડા સાથે રૂ. ૬૯,૯૮૪ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારો નવી લેવાલીથી દૂર રહ્યા હતા.