વેપાર

સાંકડી વધઘટે અથડાયેલા સોના-ચાંદી

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકે તેવી શક્યતા ધીમી પડતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ સામે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ છતાં મધ્ય પૂર્વ દેશમાં પ્રવર્તમાન તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં છૂટીછવાઈ સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે હાજરમાં સોના-ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારનાં સાંકડી વધઘટના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્ય સત્ર દરમિયાન બન્ને કિંમતી ઘાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪નો ઘટાડો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૮૪નો સુધારો આવ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, જ્યારે રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૩૬૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૬૧૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૪ના સુધારા સાથે રૂ. ૬૯,૯૫૦ના મથાળે રહ્યા હતા. જ્યાં સુધી ફુગાવામાં ઘટાડા અંગેનો વિશ્ર્વાસ દૃઢ ન થાય ત્યાં સુધી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની ઉતાવળ નહીં કરે તેવા નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ અમુક અંશે દબાણ હેઠળ રહ્યા હતા, પરંતુ મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ અને મૂડીઝે અમેરિકી પ્રાદેશિક બૅન્કોની ફંડિંગ અને પ્રવાહિતામાં દબાણ અનુભવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ન્યૂ યોર્ક કોમ્યુનિટી બૅન્કોર્પને ડાઉનગ્રેડ કરતાં સોનામાં સલામતી માટેની માગનો છૂટોછવાયો ટેકો મળ્યો હતો અને હાજરમાં ભાવ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૭.૨૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૨૦૩૭.૨૦ ડૉલર આસપાસ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button