ડૉલર- ટ્રેઝરીની યીલ્ડ મજબૂત થતાં વિશ્ર્વ બજાર પાછળ સોના-ચાંદીમાં પીછેહઠ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ ચાર ટકાની ઉપરની સપાટીએ પહોંચતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૯નો ઘટાડો આવ્યો હતો.
આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૬ પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. જોકે, ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૭૪ ઘટીને ફરી રૂ. ૭૨,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ શુષ્ક રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૭૪ના ઘટાડા સાથે રૂ. ૭૧,૬૬૬ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૯ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૩૫૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૬૦૮ના મથાળે રહ્યા હતા. જોકે, રૂપિયામાં નરમાઈ જોવા મળી હોવાથી ભાવઘટાડો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.