ચાંદીમાં રૂ. 5435ની અને સોનામાં રૂ. 1379ની આગેકૂચ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં આજે જોવા મળેલા સુધારાતરફી વલણ અને અમેરિકાના આર્થિક ડેટાઓની જાહેરાત પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સોના અને ચાંદીમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.
જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1373થી 1379ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 5435ની આગેકૂચ જોવા મળી હતી. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ઓવરનાઈટ વૈશ્વિક અહેવાલોને ધ્યાનમાં લેતા હાજરમાં ચાંદીના વેરારહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 5435ના સુધારા સાથે રૂ. 2,59,100ની સપાટીએ રહ્યા હતા, પરંતુ વપરાશકાર ઉદ્યોગની માગને બાદ કરતાં સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહી હતી.
વધુમાં સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ ભાવમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1373 વધીને રૂ. 1,55,629 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1379 વધીને રૂ. 1,56,255ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 5055.29 ડૉલર આસપાસ અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ આૈંસદીઠ 5078.10 ડૉલર આસપાસ ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવમાં ગઈકાલે સાત ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે 1.2 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 82.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે સપ્તાહના આરંભથી નાણાકીય બજારોના જોખમો હળવા થવાને કારણે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એક્ટિવ ટ્રેડના વિશ્લેષક રિકાર્ડો એવાન્જેલિસ્ટાએ જણાવતા ઉમેર્યું હતું કે ભૂરાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતા ઉપરાંત વર્ષ 2026માં અમેરિકી ફેડરલ રિઝર્વ બે વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદને ધ્યાનમાં લેતા ખાસ કરીને સોનામાં વધઘટે મજબૂત અન્ડરટોન જળવાઈ રહે તેવી શક્યતા છે.
જોકે, હાલમાં રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતના નિર્ણયને અસર કરે તેવા આવતીકાલે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા અને શુક્રવારે જાહેર થનારા ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી અમુક અંશે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ વર્ષ 2026માં બે વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મુકી રહ્યા છે.



