ટ્રેડ વૉરની ચિંતા હળવી થતાં વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહને તળિયે…
રૂપિયો નબળો પડતાં સ્થાનિક સોનામાં રૂ. 172નો મર્યાદિત ઘટાડો, ચાંદી રૂ. 606 વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેડ વૉરની ચિંતા હળવી થવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ઘટીને ગત નવમી જુલાઈ પછીની નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ સાધારણ 0.2 ટકાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા.
જ્યારે હાજરમાં ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધવાને કારણે આજે ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 172નો સાધારણ ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટ્યાં મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 606 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક સ્તરે ભાવમાં મક્કમ વલણ રહ્યું હોવાના અહેવાલો સાથે સ્ટોકિસ્ટોની નીચા મથાળેથી લેવાલી નીકળવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની માગનો ટેકો મળતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 606ના સુધારા સાથે રૂ. 1,13,590ના મથાળે રહ્યા હતા.
જોકે, સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી ભાવઘટાડો 10 ગ્રામદીઠ રૂ. 172 સુધી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 97,880 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 98,274ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 3318.71 ડૉલર અને વાયદામાં ભાવ સાધારણ 0.2 ટકાના સુધારા સાથે 3317.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 38.18 ડૉલર આસપાસના મથાળે ટકેલા રહ્યા હતા.
એકંદરે અમેરિકાની જાપાન અને યુરોપિયન યુનિયન સાથે થયેલી ટ્રેડ ડીલ અને ચીન સાથે ચાલી રહેલી વાટાઘાટોને ધ્યાનમાં લેતા ટ્રેડ વૉરનો તણાવ હળવો થવાના આશાવાદ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે. જોકે, આૈંસદીઠ 3300 ડૉલર આસપાસની ભાવસપાટીએથી ખરીદદારોનું આકર્ષણ જોવા મળે તો પુનઃ સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળી શકે, એમ કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર અમેરિકા અને ચીનનાં આર્થિક અધિકારીઓની ગઈકાલે પાંચ કલાક સુધી લાંબા સમયગાળાથી ચાલી રહેલા આર્થિક વિવાદો બાબતે તેમ જ ડીલ પૂર્વે ટૅરિફ વૃદ્ધિનો સમયગાળો ત્રણ મહિના સુધી લંબાવવા બાબતે પણ ચર્ચા થઈ હતી. નોંધનીય બાબત એ છે કે ગત રવિવારે અમેરિકાની યુરોપિયન યુનિયન સાથે થયેલી ટ્રેડ ડીલમાં યુરોપથી આયાત થતાં માલ પર 15 ટકા ટૅરિફ નિર્ધારિત કરવામાં આવી હતી.
હવે રોકાણકારોની નજર આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર તેમ જ સપ્તાહ દરમિયાન જાહેર થનારા અમેરિકાના ફુગાવાના તથા રોજગારીના ડેટા પર સ્થિર થઈ છે. જોકે, ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા પ્રબળ હોવા છતાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ફેડરલ અંગેની થઈ રહેલી ટિપ્પણીઓને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવે તેવો પણ અમુક બજાર વર્તુળો આશાવાદ રાખી રહ્યા હોવાનું વૉટરરે ઉમેર્યું હતું.