વેપાર

સાંકડી વધઘટે અથડાયેલા સોના-ચાંદી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વર્તમાન સપ્તાહે જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ ઉપરાંત સપ્તાહ દરમિયાન ફેડરલનાં અંદાજે ૧૦ સભ્યોના વક્તવ્યોને ધ્યાનમાં લેતાં સાવચેતીના અભિગમ વચ્ચે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન પાંખાં કામકાજો વચ્ચે બન્ને કિંમતી ધાતુઓના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬નો ધીમો સુધારો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૯નો ઘટાડો આવ્યો હતો.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૯ના ઘટાડા સાથે રૂ. ૬૯,૪૦૦ની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. જોકે, પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬ના સાધારણ સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૯૯૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૨૪૦ના મથાળે રહ્યા હતા.


આજે વૈશ્વિક
વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૩.૩૪ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૦૪૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈને ટેકે સોનામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના અને ક્ધઝ્યુમર સ્પેન્ડિંગના ડેટા પર સ્થિરિ હોવાને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું. વધુમાં આ સપ્તાહ દરમિયાન અમેરિકી ફેડરલ રિઝર્વનાં ૧૦ અધિકારીઓ તેમનું વક્ત્વય આપવાના હોવાને કારણે પણ રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button