
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી વર્ષે હળવી નાણાનીતિ જાળવીને વ્યાજદરમાં વધુ કાપ મૂકે તેવા આશાવાદ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવને પગલે આજે લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ 0.7 ટકા ઉછળીને સાત સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ એક તબક્કે આૈંસદીઠ 64.32 ડૉલર સુધી પહોંચીને પાછા ફર્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી જોવા મળી હતી, જેમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 4098થી 4114 વધીને 1.32 લાખની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 6899ના ઉછાળા સાથે રૂ. 1.95 લાખની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ રહી હોવા છતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 6899ની ઝડપી તેજી સાથે રૂ. 1,95,180ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચી સપાટીએથી જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. તેમ જ આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 4098 વધીને રૂ. 1,32,179 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 4114 વધીને રૂ. 1,32,710ના મથાળે રહ્યા હતા. જોકે, આજની તોફાની તેજીમા સ્ટોકિસ્ટો અને રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : ફેડરલની બેઠકની ફળશ્રુતિ પૂર્વે વૈશ્વિક ચાંદીમાં તોફાની તેજી સાથે ભાવ 61 ડૉલરની પારસ્થાનિક ચાંદીમાં રૂ. 6595નો ઉછાળો, સોનામાં રૂ. 186ની પીછેહઠ…
આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને ગત 21મી ઑક્ટોબર પછીની ઊંચી આૈંસદીઠ 4311.73 ડૉલર આસપાસની સપાટીએ તથા વાયદામાં ભાવ 0.7 ટકા વધીને 4343.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 64.32 સુધી ક્વૉટ થયા બાદ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 63.87 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા સાપ્તાહિક બેરોજગારીનાં ડેટામાં બેરોજગારી ભથ્થું મેળવનારાની સંખ્યા વધીને સાડા ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવે તેવા આશાવાદ સાથે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોનાચાંદીની તેજીને પ્રેરક બળ મળ્યું હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષક ઝાઈન વાવદાએ જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારો આગામી વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં બે વખત કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો : વૈશ્વિક ચાંદી વિક્રમ સપાટીએ પહોંચતા સ્થાનિકમાં રૂ. 10,821નો ઝડપી ઉછાળો, ભાવ 1.75 લાખની પાર, સોનું રૂ. 2209 ઝળક્યું
આ વર્ષે ખાસ કરીને ચાંદીમાં ઔદ્યોગિક માગ મજબૂત રહેવાની સાથે અમેરિકાએ ચાંદીનો મુખ્ય ધાતુઓમાં સમાવેશ કરતાં પુરવઠાસ્થિતિ પણ તંગ થવાની સાથે સટ્ટાકીય આકર્ષણમાં વધારો થવાથી ચાંદીના ભાવ લગભગ બમણાં જેવા થઈ ગયા હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઓલે હાસને જણાવ્યું હતું.



