
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ટૅરિફની અનિશ્ચિતતા વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3400 ડૉલરની સપાટી પાર કરીને ગત 16મી જૂન પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને ચાંદીએ 39 ડૉલર સપાટી પાર કરી નાખી હતી. જોકે, આજે લંડન ખાતે અમેરિકાની જાપાન સાથે ટ્રેડ ડીલ થઈ ગઈ હોવાના અહેવાલને ધ્યાનમાં રાખતા વેપારની અનિશ્ચિતતામાં ઘટાડો થવાથી બન્ને કિંમતી ધાતુઓમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલી રહેતાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ સાથે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 990થી 994ના ઝડપી ઉછાળા સાથે રૂ. એક લાખની સપાટી અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1007ના ઉછાળા સાથે રૂ. 1.15 લાખની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઑલ ફોલ ડાઉન જળવાઈ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતાં ભાવમાં ઝડપી તેજી જોવા મળી હતી, જેમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 990 ઉછળીને રૂ. 1,00,100ની સપાટીએ અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 994 ઉછળીને રૂ. 1,00,502ના મથાળે રહ્યા હતા. જોકે, આગઝરતી તેજીના વલણમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગમાં સૂનકાર વ્યાપી ગયો હતો. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ 999 ટચ ચાંદીમાં પણ તેજીનું વલણ રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. 1007ની તેજી સાથે રૂ. 1,15,000ની સપાટીએ પહોંચ્યા હતાં. તેમ જ સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિ માસિક નફામાં ધરખમ વધારો, મુકેશ અંબાણીએ કહ્યું વર્ષની સારી શરૂઆત
ગઈકાલે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સની નબળાઈ અને અમેરિકી ટૅરિફની અનિશ્ચિતતા વચ્ચે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને ગત 16મી જૂન પછીની ઊંચી સપાટીએ પહોંચીને આૈંસદીઠ 3400 ડૉલરની સપાટી કુદાવી ગયા. જોકે, આજે અમેરિકા-જાપાનની ટ્રેડ ડીલનાં પ્રોત્સાહક અહેવાલ સાથે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના વધ્યા મથાળેથી સાધારણ 0.2 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 3423.08 ડૉલર અને 3435.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.3 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 39.18 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જાપાન સાથેની ટ્રેડ ડીલને કારણે તેમ જ આજે ડૉલર ઈન્ડેક્સમાં સહેજ બાઉન્સબૅક જોવા મળતાં સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો થતાં સોનાની ત્રણ સત્રની તેજીને બે્રક લાગી હોવાનું નેમો મનીના ચીફ માર્કેટ એનાલિસ્ટ હૅન ટૅને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ બે સપ્તાહની નીચી સપાટીએથી પાછી ફરી હતી. સામાન્યપણે બૉન્ડની યિલ્ડમાં વધારો થવાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં માગ ઘટતી હોય છે.
વધુમાં અમેરિકા અને ચીનના અધિકારીઓ કરારની વાટાઘાટોના સમયગાળા માટે ટૅરિફનાં અમલની પહેલી ઑગસ્ટની મુદત લંબાવવા માટે આગામી સપ્તાહે સ્ટોકહૉમ ખાતે મળનાર હોવાનું અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બૅસન્ટે જણાવ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહે 29-30 જુલાઈએ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, બજાર વર્તુળો આ બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા મૂકી રહ્યા છે.