અમેરિકન દેવાની ચિંતા સપાટી પર આવતા વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચે સ્થાનિક સોનામાં રૂ. 274ની અને ચાંદીમાં રૂ. 1160ની આગેકૂચ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી સરકારના વધી રહેલા દેવા અને 20 વર્ષીય ટ્રેઝરી બૉન્ડમાં નબળી માગ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે એક તબક્કે ભાવ વધીને બે સપ્તાહની ટોચે પહોંચ્યાના અહેવાલ સાથે આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 273થી 274નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 34 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે પણ તેજીને ટેકો મળ્યો હતો. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 1160ના ચમકારા સાથે રૂ. 98,000ની સપાટી પાર કરી ગયા હતા.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર આજે સ્થાનિકમાં વેરા રહિત ધોરણે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1160 વધીને રૂ. 98,492ના મથાળે રહ્યા હતા. તેમ જ વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 273 વધીને રૂ. 95,200 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 274 વધીને રૂ. 95,583ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ બે સપ્તાહની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી અને અમેરિકી 20 વર્ષીય બૉન્ડમાં માગ મર્યાદિત રહેતાં દેવાની ચિંતા સપાટી પર આવતા સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 3324.91 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે ભાવ વધીને ગત નવમી મે પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે વાયદામાં પણ ભાવ 0.4 ટકા વધીને 3326.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 33.49 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી અર્થતંત્રમાં વૃદ્ધિ સ્થગિત થઈ જવાના જોખમોને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી હ્હ્યો હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં વેરા અને ખર્ચનું બિલ પસાર થઈ ગયું હતું. જોકે, અમેરિકી ટ્રેઝરી વિભાગે જણાવ્યું હતું કે 16 અબજ ડૉલરનાં અમેરિકી 20 વર્ષીય બૉન્ડનાં વેચાણને નબળો પ્રતિસાદ મળ્યો છે. નોંધનીય બાબત એ છે કે મૂડીઝે અમેરિકાનાં રેટિંગમાં ઘટાડો કર્યો હોવાથી બૉન્ડના વેચાણને નબળો પ્રતિસાદ મળવાની સાથે ડૉલર ઈન્ડેક્સ પણ દબાણ હેઠળ આવ્યો છે.
તાજેતરમાં વૈશ્વિક સોનું આૈંસદીઠ 3200 ડૉલરથી નીચેની સપાટી જાળવી ન શક્યું હોવાથી આગામી લાંબા સમયગાળા દરમિયાન અથવા તો આ વર્ષના અંત સુધીમાં ભાવ વધીને આૈંસદીઠ 3450થી 3500 ડૉલરની સપાટી સુધી પહોંચી શકે છે, એમ ટેસ્ટીલિવના ગ્લોબલ મેક્રો વિભાગના હેડ ઈલ્યા સ્પાઈવેકે જણાવ્યું હતું.