વેપાર

સોનામાં રૂ. 556નું અને ચાંદીમાં રૂ. 553નું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદ હેઠળ આજે સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 554થી 556નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 553નું ગાબડું પડ્યું હતું. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે સપ્તાહ દરમિયાન અમેરિકાના જાહેર થનારા આર્થિક ડેટાઓ પર બજારની નજર હોવાથી હાજરમાં સોનાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું અને વાયદાના ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હતો તેમ જ ચાંદીમાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો.

દરમિયાન સ્થાનિકમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ વધુ ભાવઘટાડાના આશાવાદે માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 553 ઘટીને ફરી રૂ. 88,000ની સપાટીની અંદર ઊતરીને રૂ. 87,568ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ મર્યાદિત રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 554 ઘટીને રૂ. 76,640 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 556 ઘટીને રૂ. 76,948ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ચાર પૈસા તૂટ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધવાને કારણે વૈશ્વિક ભાવની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વર્તમાન સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની અસર થતી હોય તેવા અમેરિકાના ડિસેમ્બર મહિનાના નોન ફાર્મ પેરૉલ સહિતના આર્થિક ડેટાઓની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 2635.39 ડૉલર આસપાસ ટકેલા હતા અને વાયદામાં ભાવ 0.2 ટકા ઘટીને 2646.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 29.57 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Also read:

સપ્તાહ દરમિયાન જાહેર થનારા ડિસેમ્બર મહિનાના નોનફાર્મ પે રૉલ ડેટા અને આઈએસએમ સર્વિસીસ પીએમઆઈ ડેટા જો અપેક્ષાથી નબળા આવ્યા અને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળશે તો સોનાના ભાવમાં બે્રક આઉટ જોવા મળી શકે છે, એમ કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.

અત્રે નોંઘનીય બાબત એ છે કે અમેરિકાના જોબ ડેટાની જાહેરાત આગામી શુક્રવારે થશે અને તેની અસર આગામી 28-29 જાન્યુઆરીના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર જોવા મળશે. જોકે, છેલ્લી નીતિવિષયક બેઠકમાં વર્ષ 2025માં વ્યાજદરમાં માત્રે બે જ વખત કપાત થવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ સિવાય સપ્તાહ દરમિયાન રોકાણકારોની નજર એડીપી હાયરિંગ અને રોજગારીના ડેટા ઉપરાંત છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સ પર પણ રહેશે.

સામાન્યપણે નીચા વ્યાજદર, રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતા અને વધતા ફુગાવાના સંજોગોમાં સોનાની તેજીને ટેકો મળતો હોય છે. જોકે, નવાં ચૂંટાયેલા અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર-વેરાની નીતિ ફુગાવાલક્ષી હોવાની ધારણા મૂકાઈ રહી છે અને ફેડરલ રિઝર્વ ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદરની ઊંચી સપાટી જાળવી રાખે તેવી શક્યતા વધુ બળવત્તર બની રહી છે. વધુમાં ગત સપ્તાહે રિચમન્ડ ફેડના પ્રેસિડૅન્ટ બાર્કિને ગત સપ્તાહે ફેડરલ રિઝર્વ વ્યાજદર નિયંત્રિત રાખે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button