વેપાર

સોનામાં રૂ. 140ની અને ચાંદીમાં રૂ. 401ની પીછેહઠ

ડૉલર ઈન્ડેક્સ અથડાઈ જતાં વૈશ્વિક સોનામાં ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આંભે ડૉલર ઈન્ડેક્સ સાંકડી વધઘટે અથડાઈ જતા સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનેિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા બન્ને કિંમતી ધાતુઓમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ધોવાણ જળવાઈ રહેતાં વધુ નવ પૈસા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં આયાત પડતરો વધવાને કારણે સોનામાં ભાવઘટાડો 10 ગ્રામદીઠ રૂ. 140 સુધી અને ચાંદીમાં ભાવઘટાડો કિલોદીઠ રૂ. 401 સુધી સિમીત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 401ના ઘટાડા સાથે રૂ. 87,430ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીમાં અભાવ અને રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ 10 ગ્રામદીઠ રૂ. 140ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 75,990 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76,296ના મથાળે રહ્યા હતા.

Also read: સોનામાં રૂ. 17નો અને ચાંદીમાં રૂ. 312નો ધીમો સુધારો

આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સાંકડી વધઘટ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ ટકેલું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે સાધારણ 0.1 ટકા વધીને અનુક્રમે 2622.74 ડૉલર અને 2635.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 29.44 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હવે સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવની વધઘટ મુખ્યત્વે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટ્રેડ અને ટેરિફની નીતિ અને ફેડરલ રિઝર્વની નીતિ પર અવલંબિત હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

આજે એકંદરે ડૉલર ઈન્ડેક્સ અથડાઈ જતાં સોનામાં સાધારણ સુધારો જોવા મળ્યો હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી વર્ષ 2025માં ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિ, ફેડરલની નાણાનીતિ અને રાજકીય-ભૌગોલિક તણાવની સ્થિતિ સોનાના ભાવની વધઘટ માટેના મુખ્ય પરિબળો પુરવાર થાય તેવી શક્યતા છે. જોકે, નવાં વર્ષ પૂર્વે સોનામાં કોઈ મોટી વધઘટ જોવા નહીં મળે, એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 27 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. તેમ જ વર્ષ દરમિયાન ગત 31 ઑક્ટોબરના રોજ સોનાના ભાવ વધીને આૈંસદીઠ 2790.15 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં અને રાજકીય-ભૌગોલિક તણાવના સંજોગોમાં સોનામાં રોકાણકારોની અનુક્રમે હેજરૂપી અને સલામતી માટેની માગ જોવા મળતી હોય છે. આ વર્ષે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 100 બેસિસ પૉઈન્ટનો ઘટાડો કર્યો છે, પરંતુ આગામી વર્ષમાં વ્યાજદરમાં ઓછી કપાતના સંકેતો આપ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button