ફેડરલની બેઠક પૂર્વે વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ
સ્થાનિક સોનામાં રૂ. ૨૦૯નો અને ચાંદીમાં રૂ. ૪૬૦નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત બાદ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ સાધારણ દબાણ હેઠળ આવ્યા બાદ હવે રોકાણકારોની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ગત શુક્રવારનાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૮થી ૨૦૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૬૦નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૬૦ ઘટીને રૂ. ૮૦,૯૧૪ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, પરંતુ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો પડયો હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૮ ઘટીને રૂ. ૭૧,૯૫૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૯ ઘટીને રૂ. ૭૨,૨૩૯ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં ઘટાડો થયો હોવા છતાં મધ્યસત્ર દરમિયાન રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી.
વ્યાજદરમાં કાપ મૂકવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ જેનાં પર વધુ દારોમદાર રાખે છે તે પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટામાં વધારો થયો હોવાના ગત શુક્રવારના અહેવાલ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા.
જોકે, હવે રોકાણકારો અને ટ્રેડરોની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે સાંકડી વધઘટે અથડાઈને અનુક્રમે ઔંસદીઠ ૨૩૩૪.૬૬ ડૉલર અને ૨૩૪૫.૬૦ ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.