ફેડરલની બેઠક પૂર્વે વૈશ્વિક સોનામાં નરમાઈ
સ્થાનિક સોનાએ રૂ. 410ના ઘટાડા સાથે રૂ. 72,000ની સપાટી ગુમાવી, ચાંદી રૂ. 1089નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર આવતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી, જેમાં સોનાના ભાવે ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૮થી ૪૧૦ના ઘટાડા સાથે રૂ. ૭૨,૦૦૦ની સપાટી ગુમાવી હતી. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૦૮૧ના ઘટાડા સાથે રૂ. ૮૧,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઘટતી બજારે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦૮૧ ઘટીને રૂ. ૮૦,૦૪૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હતી અને મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૮ ઘટીને રૂ. ૭૧,૬૭૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૧૦ ઘટીને રૂ. ૭૧,૯૬૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને માત્ર રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ રહી હતી.
તાજેતરમાં મધ્યપૂર્વનાં દેશોમાં તણાવ હળવો થવાની સાથે વૈશ્વિક સોનામાં સલામતી માટેની માગ ઓસરી ગઈ છે અને પુન: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ક્યારથી કાપ મૂકવામાં આવશે તેની ચિંતા સપાટી પર આવી છે. હવે રોકાણકારોની નજર આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૨૬.૪૫ ડૉલર અને વાયદામાં ૦.૯ ટકા ઘટીને ૨૩૩૭.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૮ ટકા તૂટીને ઔંસદીઠ ૨૭.૧૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.