વૈશ્વિક સોના-ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો છતાં સ્થાનિકમાં ચાંદી રૂ. 9410 અને સોનું રૂ. 424 ઘટ્યું…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે શિકાગો મર્કન્ટાઈલ એક્સચેન્જે સોના અને ચાંદીના વાયદાના ભાવમાં વધેલી ચંચળતાને ધ્યાનમાં લેતા કોન્ટ્રાક્ટ પરના માર્જિન જે આઠ ટકા હતુ તે વધારીને નવ ટકા કરવાની સાથે મેઈન્ટેનન્સ માર્જિનના દર પણ જે 15 ટકા હતા તે વધારીને 18 ટકા કર્યાના અહેવાલો સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં કડાકા બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચેનો ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા બન્ને કિંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ગઈકાલના ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 9410નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 422થી 424નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક બજાર પાછળ વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 9410 ઘટીને રૂ. 2,44,929ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકોની માગ શાંત હતી. તે જ પ્રમાણે આજે સોનાના વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 422 ઘટીને રૂ. 1,51,469 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,52,078ના મથાળે રહ્યા હતા. આજે સોનામાં પણ માત્ર છૂટીછવાઈ રોકાણલક્ષી માગ હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા 2.3 ટકા વધીને આૈંસદીઠ 4879.06 ડૉલર અને એપ્રિલ વાયદામાં ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 4900 ડૉલર આસપાસ ક્વૉટ થઈ હ્હ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલે આૈંસદીઠ 65 ડૉલર સુધી ગબડીને પાછા ફર્યા બાદ આજે ઘટ્યા મથાળેથી 4.2 ટકા વધીને આૈંસદીઠ 74.21 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે વર્તમાન સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 0.3 ટકાનો સુધારો અને ચાંદીના ભાવમાં 12 ટકા કરતાં વધુ માત્રામાં ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવમાં વધારો થવાની સાથે આજે સોના-ચાંદીમાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં આજે ન્યૂ યોર્ક ખાતે માર્જિનમાં વધારો થવાથી ભાવ દબાણ હેઠળ આવે તવી ભીતિ સપાટી પર રહેતાં અમુક અંશે બજારમાં સાવચેતીનું વલણ પણ જોવા મળ્યું હોવાનું ઓએએનડીએના વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવવાની સાથે સોનામાં આગામી ટૂંકા સમયગાળા માટે આૈંસદીઠ 5169 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી અને 4400 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
વધુમાં આજે અમેરિકાના જાન્યુઆરી મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત થનાર હતી, પરંતુ તાજેતરના ચાર દિવસના આંશિક શટડાઉનને કારણે હવે તેની જાહેરાત આગામી 11મી ફેબ્રુઆરીએ થશે.



