વેપાર

વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 570નો ઘટાડો, ચાંદીમાં રૂ. 33નો સાધારણ સુધારો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિની ચિંતા, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતનો આશાવાદ અને અમેરિકી ગવર્મેન્ટ શટડાઉનને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના અહેવાલ હતા.

જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત ખાસ કરીને સોનામાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 568થી 570નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 33નો સાધારણ સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 33ના સુધારા સાથે રૂ. 1,48,275ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 568 ઘટીને રૂ. 1,19,619 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 570 ઘટીને રૂ. 1,20,100ના મથાળે રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 4010.72 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.7 ટકા વધીને 4019.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.7 ટકા વધીને આૈંસદીઠ 48.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલના તબક્કે કેન્દ્રવર્તી બૅન્કોની જળવાઈ રહેલી લેવાલી અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટ કરવામાં આવે તેવા આશાવાદ સાથે સોનામાં અન્ડરટોન તો મજબૂત જ હોવાનું અગ્રણી વિશ્લેષક રોસ નોર્મને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં અમેરિકા ખાતે ગત ઑક્ટોબર મહિનાના ખાનગી રોજગારીના જાહેર થયેલા આંકડા નબળા આવ્યા હતા જે વેપારમાં એઆઈના વપરાશમાં વૃદ્ધિ અને કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા હોવાનો નિર્દેશ આપે છે.

આથી રોજગાર ક્ષેત્રે નબળી વૃદ્ધિને ધ્યાનમાં લેતા રેટ કટનો આશાવાદ સપાટી પર આવતા હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર વેપારી વર્તુળો આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી 67 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button