વેપાર

ફેડરલનાં રેટકટના આશાવાદ-નિરાશાવાદમાં તેજી-મંદી વચ્ચે ઝોલા ખાતાં સોનાચાંદી

રમેશ ગોહિલ

અમેરિકાનાં ઈતિહાસમાં સૌથી વધુ ચાલેલા 43 દિવસનાં ગવર્નમેન્ટ શટડાઉનનો ગત ગુરુવારે અંત આવ્યો હતો. આ શટ ડાઉન દરમિયાન અમેરિકાના આર્થિક ડેટાઓની ગેરહાજરીમાં ફેડરલ રિઝર્વ આગામી 9-10 ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો પ્રબળ આશાવાદ સેવાઈ રહ્યો હોવાથી સોના અને ચાંદીમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું.

જોકે, ત્યાર બાદ ફેડરલ રિઝર્વનાં અધિકારીઓએ આગામી બેઠકમાં તંગ નાણાનીતિ જળવાઈ રહેવાની અને ડિસેમ્બર મહિનાની બેઠકમાં રેટકટની શક્યતા ધૂંધળી હોવાનુ જણાવ્યું હતું. તેમ જ વ્હાઈટ હાઉસે પણ ઑક્ટોબર મહિનાના બેરોજગારીનાં ડેટા જાહેર કરવામાં ન આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

તેમ જ ગત સપ્તાહના અંતે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ફુગાવાને અંકુશમાં રાખવા માટે ચા, કૉફી, માસ, સંતરાના જ્યૂસ સહિતની અંદાજે 200 ચીજો પરની ટૅરિફ પાછી ખેંચી હોવાના પણ અહેવાલ હતા. તેમ છતાં ડેટાના અભાવ વચ્ચે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ ન મૂકે તેવી શક્યતાઓ વધી જતાં ખાસ કરીને વૈશ્વિક સોનામાં પીછેહઠ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં ઘટાડો મર્યાદિત માત્રામાં રહ્યો હતો. આમ ગત સપ્તાહમાં ફેડરલનાં રેટકટના આશાવાદ અને નિરાશાવાદ વચ્ચે સોના અને ચાંદીમાં ભાવ તેજી-મંદી વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા.

આપણ વાચો: અમેરિકાના શટડાઉનના અંત સાથે સોના અને ચાંદીમાં તેજીનો ચમકારો

તાજેતરમાં સોનાના ભાવ ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી ઘણાં જ્વેલરો નીતિવિષયક છીંડા શોધીને વેપારો ડહોળી રહ્યા છે. આ સંદર્ભે ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશને સરકારને પ્લેટિનમ ઍલૉય જ્વેલરી જેમાં 90 ટકા સોનાનો હિસ્સો હોય છે તેની ડ્યૂટીમુક્ત આયાતની નીતિનાં છીંડાઓ દૂર કરવાનો અનુરોધ કર્યો છે.

આ બાબતે કોલકાતા સ્થિત હોલસેલર જે જે ગોલ્ડહાઉસના હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું કે અમુક જ્વેલરો આ પ્લેટિનમ ઍલૉય જ્વેલરીની ડ્યૂટીમુક્ત આયાત કરીને તેમાંથી સોનું કાઢીને ડિસ્કાઉન્ટમાં વેચાણ કરી રહ્યા છે, જ્યારે બૅન્કો મારફતે થતી સોનાની આયાતમાં છ ટકા ડ્યૂટી લાગતી હોય છે. આમ નીતિના દુરુપયોગ થકી વેપારો ખરડાઈ રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં ગત સપ્તાહ દરમિયાન સ્થાનિકમાં પણ વિશ્વ બજાર પાછળ સોના અને ચાંદીમાં બેતરફી વલણ જોવા મળ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સપ્તાહના આરંભે હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત સાતમી નવેમ્બરનાં રૂ. 1,20,100ના બંધ સામે તેજીના અન્ડરટોને રૂ. 1,22,087ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. 1,26,554 અને નીચામાં ખૂલતી જ રૂ. 1,22,87ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 3.90 ટકા અથવા તો રૂ. 4694 વધીને રૂ. 1,24,794ની સપાટીએ બંધ રહ્યા હતા.

આપણ વાચો: સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી

તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત સાતમી નવેમ્બરના રૂ. 1,48,275ના બંધ સામે રૂ. 1,50,975ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. 1,63,808 અને નીચામાં ખૂલતી જ રૂ. 1,50,975ની સપાટીએ રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 7.48 ટકા અથવા તો કિલોદીઠ રૂ. 11,092 વધીને રૂ. 1,59,367ની સપાટીએ બંધ રહ્યા હતા.

દરમિયાન સ્થાનિક બજારમાં સોનાચાંદીમાં ઊંચા મથાળેથી ખાસ કરીને દિવાળીના તહેવારો પશ્ચાત્‌‍ માગ ઠપ્પ થઈ હોવાનું તેમ જ ગ્રાહકોની જ્વેલરીના શૉરૂમમાં અવરજવર પણ પાંખી થઈ ગઈ હોવાનું ડીલરોએ જણાવતાં ઉમેર્યું હતું કે હવે લગ્નસરાની મોસમ શરૂ થઈ ગઈ છે, પરંતુ અપેક્ષિત માગનો વસવસો રહેતાં ગત સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક બજારની સરખામણીમાં આૈંસદીઠ 43 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.

નોંધનીય બાબત એ છે કે ડિસ્કાઉન્ટની આ સપાટી પાંચ મહિનાની ઊંચી સપાટી રહી હતી. જોકે, આ પૂર્વેના સપ્તાહે ડીલરો 14 ટકા ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. વધુમાં સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ ગત સપ્તાહે ઊંચી સપાટીએ માગ સ્થગિત જેવી થઈ ગઈ હતી તેમ જ કામકાજો પણ પાંખાં રહ્યા હોવાથી ડીલરો વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ ચારથી આઠ ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યાના અહેવાલ હતા.

આપણ વાચો: ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે

એકંદરે ગત સપ્તાહના અંતે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં ડૉલર ઈન્ડેક્સની નબળાઈને ટેકે સાપ્તાહિક ધોરણે 2.3 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. વાસ્તવમાં ફેડરલ રિઝર્વના અધિકારીઓ દ્વારા તંગ નાણાનીતિનાં અણસાર આપવામાં આવ્યા હોવાથી રોકાણકારો આગામી ડિસેમ્બર મહિનાના રેટકટની સ્પષ્ટતા માટે અમેરિકાના આર્થિક ડેટાઓની રાહ જોઈ રહ્યા છે.

તેમ છતાં સતત બીજા સપ્તાહમાં ડૉલર ઈન્ડેક્સમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો હોવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હતો અથવા તો કહી શકાય કે મોટો ઘટાડો અટક્યો હતો, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે ફેડરલનાં ઘણાં નીતિઘડવૈયાઓએ ફુગાવો વધવાના જોખમ અને રોજગારી ક્ષેત્રની અસ્થિરતાને ધ્યાનમાં લેતા શેષ વર્ષ 2025માં રેટકટની શક્યતા નકારી કાઢી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલૅ છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે શટડાઉનને કારણે આર્થિક ડેટાની ગેરહાજરીમાં ડિસેમ્બરમાં રેટકટની શક્યતા પાંખી હોવાનું જણાવ્યું હતું. અગાઉ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી ડિસેમ્બરની બેઠકમાં 25 બેસિસ પૉઈન્ટના કપાતની શક્યતા જે 50 ટકા મૂકી રહ્યા હતા તે હવે 46 ટકા મૂકી રહ્યા છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 3900 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની અને 4380 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,19,500થી 1,29,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 1,49,000થી 1,73,000ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય

દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ત્રણ ટકા ઘટ્યા બાદ અંતે 1.9 ટકા ઘટીને આૈંસદીઠ 4092.72 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 2.4 ટકા ઘટીને આૈંસદીઠ 4094.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.8 ટકા ઘટીને આૈંસદીઠ 50.84 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતા મંદ પડતાં સોનામાં તેજી મંદ પડી હોવાનું હાઈ રિજ ફ્યુચર્સનાં મેટલ ટ્રેડિંગ વિભાગના ડિરેક્ટર ડેવિડ મીજરે જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલની તંગ નાણાનીતિના અણસારે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ વધતાં કડાકા બોલાયા હતા. જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વના રેટકટના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવે તેવાં અમેરિકાના આર્થિક ડેટાઓની જાહેરાતો પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button