
રમેશ ગોહિલ
વીતેલા સપ્તાહ દરમિયાન સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજાર પાછળ સોના અને ચાંદીમાં વૈશ્વિક બજાર પાછળ જોવા મળેલી મોટી માત્રામાં બેતરફી વધઘટને કારણે રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ ગ્રાહકો પણ અવઢવમાં મુકાઈ ગયા હોવાથી એકંદરે કામકાજો પણ નિરસ રહેવાની સાથે ડીલરો સોનાના ભાવ જે વૈશ્વિક ભાવની સરખામણીમાં ગત સપ્તાહે આૈંસદીઠ 153 ડૉલર પ્રીમિયમમાં ક્વૉટ કરી રહ્યા હતા તે ઘટીને 70 ડૉલર આસપાસની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી પીછેહઠ અને ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતના આશાવાદ વચ્ચે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4959.94 ડૉલર અને ચાંદીના ભાવ આૈંસદીઠ 77.98 ડૉલર આસપાસના મથાળે બંધ રહ્યા હોવાથી સ્થાનિક બજાર પર તેની સોમવારે અસર જોવા મળી શકે છે.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંતના 10 ગ્રામદીઠ રૂ. 1,48,697ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 1,42,270ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. 1,42,270ની સપાટી અને ઉપરમાં રૂ. 1,58,158 સુધી ઉછળ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 3381 અથવા તો 2.87 ટકાના સુધારા સાથે રૂ. 1,52,078ના મથાળે બંધ રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 15,888ની બેતરફી વધઘટ જોવા મળી હતી. તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના ભાવ આગલા સપ્તાહના અંતનાં કિલોદીઠ રૂ. 2,65,751ના બંધ સામે ઘટાડા સાથે રૂ. 2,36,496ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. 2,36,496 અને ઉપરમાં રૂ. 2,82,462 સુધી ઉછળ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 20,822 અથવા તો 7.83 ટકા વધીને રૂ. 2,44,929ના મથાળે બંધ રહ્યા હતા. આમ ચાંદીના ભાવમાં સપ્તાહ દરમિયાન કિલોદીઠ રૂ. 45,966ની ઊથલપાથલ જોવા મળી હતી.
મુંબઈસ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું કે સોના અને ચાંદીમાં જોવા મળતી બેતરફી વધઘટને કારણે ગ્રાહકો મુંઝવણમાં મુકાઈ ગયા છે. આગલા સપ્તાહે અંદાજપત્રમાં સરકાર આયાત જકાતમાં વધારો કરે તેવો આશાવાદ હોવાથી જ્વેલરી ઉત્પાદકોની સોનામાં લેવાલી જોવા મળી હતી, પરંતુ આયાત જકાતની કોઈ જાહેરાત ન થવાની સાથે માગ ઓસરી જતાં આગલા સપ્તાહમાં પ્રીમિયમમાં જોવા મળેલો ઉછાળો ઓસરી ગયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. નિષ્ણાતોના મતાનુસાર એકંદરે સોનામાં મક્કમ આંતરપ્રવાહ હોવાથી મધ્યમથી લાંબા સમયગાળા માટે ઘટ્યા મથાળેથી લેણ કરી શકાય. ક્વૉડ ઍડ્વાઈઝર્સનાં ફંડ મેનેજર રિશભ નાહરે જણાવ્યું હતું કે અમારા મતે સોનામાં તેજીની સાઈકલનો અંત નથી આવ્યો. હકીકતમાં સોનું હજુ રિપ્રાઈસિંગનાં પ્રાથમિક તબક્કામાં હોઈ શકે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં એકતરફી લેવાલી લાંબાગાળાની તેજીનું મુખ્ય પરિબળ ગણી શકાય.
અત્રે નોંધનીય બાબત એ છે કે સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની કેન્દ્રવર્તી બૅન્ક પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાની ગત જાન્યુઆરી મહિનામાં સતત 15માં મહિનામાં ખરીદી જળવાઈ રહેતાં તેની સોનાની અનામત આગલા મહિનાના 7.415 કરોડ ટ્રોય આૈંસ સામે વધીને 7.419 કરોડ ટ્રોય આૈંસની સપાટીએ રહી હોવાનું એક અધિકૃત આંકડાકીય માહિતીમાં જણાવતાં ઉમેર્યું હતું કે મૂલ્યની દૃષ્ટિએ ચીનની સોનાની અનામત આગલા મહિનાના 319.45 અબજ ડૉલર સામે વધીને 369.58 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
વૈશ્વિક બજાર પાછળ ગત સપ્તાહે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં સાત ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. અગાઉ ઘટ્યા મથાળેથી ચાઈનીઝ ટ્રેડરોની સોનામાં આક્રમક સટ્ટાકીય લેવાલી રહી હોવાથી તેજીને ટેકો મળ્યો હતો. જોકે, ત્યાર બાદ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના આગામી અધ્યક્ષ તરીકે કેવિન વૉર્શની વરણી કરી હોવાના અહેવાલ સાથે તેઓ તંગ નાણાનીતિ અપનાવે તેવી ભીતિ સપાટી પર આવતા સોના-ચાંદીમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત કેલેન્ડર વર્ષ 2025માં ખાસ કરીની ઊંચી ભાવસપાટીને ધ્યાનમાં લેતા કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી સહેજ ધીમી પડી હતી અને 1000 ટન કરતાં ઓછી 863 ટનની થઈ હોવાના અહેવાલ હતા. અમારા મતાનુસાર આગામી સપ્તાહ દરમિયાન કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ આૈંસદીઠ 4500થી 5120 ડૉલર આસપાસની રેન્જમાં અને ચાંદીના ભાવ આૈંસદીઠ 62થી 75 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,39,500થી 1,62,000ની રેન્જમાં અને ચાંદીના ઓનલાઈન વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2,14,000થી 2,65,000ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.



