વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૨૫૮નો અને ચાંદીમાં રૂ. ૮૭૦નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત અને અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ અને વાયદામાં ધીમો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાના બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૭થી ૨૫૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૮૭૦નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં એકંદરે હાજર ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઊપર જ પ્રવર્તી રહ્યા હોવાથી જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. તેમ જ રોકાણકારો અને સ્ટોકિસ્ટોની લેવાલી પણ પાંખી રહી હતી.
જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી સાધારણ છ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો, જેમાં ૧૦ ગ્રામદીઠ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૫૭ ઘટીને રૂ. ૬૩,૦૯૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૫૮ ઘટીને રૂ. ૬૩,૩૪૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૭૦ ઘટીને રૂ. ૭૩,૨૬૩ના મથાળે રહ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ ઉપરાંત રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાનાં જોબ ડેટા તેમ જ ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૦૬૧.૫૯ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ૨૦૭૦.૩૦ ડૉલર તથા ચાંદીના ભાવ ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૬૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ગત જુલાઈ પછીનો સૌથી મોટો ૦.૮ ટકાનો ઉછાળો આવ્યો હતો હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જોકો, રાતા સમુદ્રનો તણાવ વધતાં સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે, એમ આરજેઓ ફ્યુચર્સનાં વિશ્ર્લેષક ડેનિયલ પેવિલોનિસે જણાવ્યું હતું.