ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેતાં વૈશ્વિક સોના-ચાંદીમાં વધ્યા મથાળેથી પીછેહઠ | મુંબઈ સમાચાર
વેપાર

ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેતાં વૈશ્વિક સોના-ચાંદીમાં વધ્યા મથાળેથી પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સોના-ચાંદીમાં સત્રના આરંભે વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી.

જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1146થી 1151નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2342નો ચમકારો જોવા મળ્યો હતો.

બજાર વર્તુળોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકો તથા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણેભાવ કિલોદીઠ રૂ. 2342 વધીને રૂ. 1,49,125ના મથાળે રહ્યા હતા.

આપણ વાચો: રેકોર્ડ બ્રેક બાદ સોના-ચાંદીની કિંમતો પર આવ્યું દબાણ, જાણો આજના ભાવ…

વધુમાં આજે સોનામાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી, જ્યારે રોકાણકારોની લેવાલી પણ છૂટીછવાઈ હોવા છતાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1146 વધીને રૂ. 1,20,286 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1151 વધીને રૂ. 1,20,770ના મથાળે રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ વધ્યા મથાળેથી 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 4004.37 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 4016.30 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 48.82 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાચો: વૈશ્વિક સોના-ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો

અમેરિકી ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ આક્રમક નાણાનીતિના સંકેતો સાથે આગામી ડિસેમ્બરમાં રેટ કટની શક્યતા પાતળી હોવાનું જણાવ્યું હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એક્ટિવ ટ્રેડર્સના વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત બુધવારે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો. જોકે, ફેડરલના અધ્યક્ષના આક્રમક નાણાનીતિના સંકેતો છતાં હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 67 ટકા શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે.

વધુમાં તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શિ જિનપિંગ વચ્ચે થયેલી વેપાર વાટાઘાટોમાં બન્ને પક્ષે અમુક મુદ્દાઓ પર સહમતી થઈ હોવાથી સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં યુક્રેન અને મધ્યપૂર્વના દેશોમાં હજુ ભૂરાજકીય તણાવ હોવાથી અમુક અંશે સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button