નબળા રૂપિયા અને વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 1506નો ઉછાળો, ચાંદી રૂ. 1862 ચમકી | મુંબઈ સમાચાર

નબળા રૂપિયા અને વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 1506નો ઉછાળો, ચાંદી રૂ. 1862 ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ગત શુક્રવારે અમેરિકાના જાહેર થયેલા રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતાઓ સપાટી પર આવતા ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં બે ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજર ભાવમાં 0.1 ટકાનો પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો અને વાયદામાં ભાવ 0.4 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ તેજી આગળ ધપી હતી. આમ ગત શુક્રવારના વિશ્વ બજારનાં પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે 44 પૈસા તૂટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી ખાસ કરીને સોનાની આયાત પડતરો વધી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1500થી 1506નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1862 વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1862ની તેજી સાથે રૂ. 1,11,508ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવ વધી આવતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ રૂ. 1500 વધીને રૂ. 99,360 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1506 વધીને રૂ. 99,759ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં પુનઃ તેજીનો અન્ડરટોન રહેતાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો: જાણો સેબી તમારી માટે આ નવું નજરાણું લાવી છે તે શું છે.

ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં બે ટકાનો ઝડપી ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજરમાં ભાવ આગલા બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 3361.32 ડૉલર અને વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 3414.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે વધુ 0.6 ટકાની તેજી સાથે આૈંસદીઠ 37.24 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગત શુક્રવારની તેજી પશ્ચાત્‌‍ નફારૂપી વેચવાલી અને ડૉલરમાં સ્થિરતા રહેતાં આજે સોનામાં સાવચેતીનું અભિગમ જોવા મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે ગત શુક્રવારે અમેરિકાના જુલાઈ મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં અપેક્ષા કરતાં ઓછી રોજગાર વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સર્જાતા સોનાની તેજીને ટેકો મળ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ટૅરિફની રોજગાર ક્ષેત્ર પર પડી રહી હોવાનું જણાતા વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા સપાટી પર આવતા સોનામાં સલામતી માટેની માગ ખૂલી છે.

આ પણ વાંચો: NSDLના IPOને લઈ રોકાણકારોએ બતાવ્યો ગજબનો ઉત્સાહ, હવે સૌની નજર લિસ્ટિંગ પર

વધુમાં ગઈકાલે પ્રસારિત થયેલા સીબીએસ શૉ ફેસ ધ નેશનમાં અમેરિકન ટ્રેડ એગ્રીમેન્ટના વાટાઘાટકર્તા જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે વાટાઘાટો પશ્ચાત્‌‍ પણ ગત સપ્તાહે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે વેપારી ભાગીદાર દેશો પર લાદેલા ટેરિફ ઘટવાના સ્થાને સ્થિર રહે તેવી શક્યતા છે.

દરમિયાન સિટીએ અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડવાની અને ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી ત્રણ મહિનામાં સોનાના વૈશ્વિક ભાવ જે હાલ 3300 ડૉલર આસપાસની સપાટીએ છે તે વધીને 3500 ડૉલર સુધી પહોંચવાની વ્યક્ત કરતાં ભાવની રેન્જ આૈંસદીઠ 3300થી 3600 ડૉલર રહેશે, એમ એક અહેવાલમાં જણાવ્યું છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button