સોના-ચાંદીમાં સામસામા રાહઃ વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. 2951 ઉછળી, સોનામાં રૂ. 235ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાનાં રોજગારીનાં ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ઊંચા મથાળેથી એકંદરે વેપારો પાંખાં રહ્યા હોવાથી બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 234થી 235નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવ કિલોદીઠ રૂ. 2951 ઉછળીને રૂ. 1.37 લાખની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર હાલ વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 45 ડૉલરની લગોલગ પહોંચ્યા હોવાથી આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગનો ટેકો મળતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2951 ઉછળીને રૂ. 1,37,040ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 234 ઘટીને રૂ. 1,12,895ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 235 ઘટીને રૂ. 1,13,349ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 3756.29 ડૉલર અને વાયદામાં ભાવ 0.5 ટકા વધીને 3787 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 44.76 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
હાલમાં રોકાણકારોને અમેરિકા ખાતે ક્યાંય રાજકોષીય સ્થિરતા જણાતી નથી અને બીજી તરફ રશિયા અને મધ્યપૂર્વનાં દેશોનાં તણાવને ધ્યાનમાં લેતાં સોનામાં શા માટે મજબૂત તેજી જોવા મળી રહી છે તેનો ઉત્તર મળી જશે, એમ સ્વિસક્વૉટનાં બૅન્કિંગ જૂથનાં વિશ્લેષક કાર્લો અલ્બર્ટો ડૅ કાસાએ જણાવ્યું હતું.
વધુમાં ગઈકાલે સાન ફ્રાન્સિસ્કો ફેડરલ રિઝર્વ બૅન્કનાં પ્રમુખ મેરી ડેલેએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાતના નિર્ણયને મારો સંપૂર્ણ ટેકો હતો અને હજુ વ્યાજદરમાં કપાતની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી, જ્યારે ફેડરલના અધ્યક્ષ પૉવૅલે સાવચેતીનું વલણ દાખવ્યું હતું. આ સિવાય હાલ રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા ઑગસ્ટ મહિનાના અમેરિકાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર થઈ છે. જોકે, વિશ્લેષકો ઑગસ્ટના ફુગાવામાં માસાનુમાસ ધોરણે 0.3 ટકાનો અને વર્ષાનુવર્ષ ધોરણે 2.7 ટકાનો વધારો જોવા મળે તેવી ધારણા મૂકી રહ્યા છે.