જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પૂર્વે વૈશ્વિક સોનું 3800 ડૉલરની લગોલગ | મુંબઈ સમાચાર
વેપાર

જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પૂર્વે વૈશ્વિક સોનું 3800 ડૉલરની લગોલગ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વધુ રેટ કટ અને હળવી નાણાનીતિનો અણસાર આપે તેવા આશાવાદ સાથે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3800 ડૉલરની લગોલગ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવે 14 વર્ષની ઊંચી સપાટી જાળવી રાખી હતી. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 44 પૈસા ગબડી ગયો હોવાથી ખાસ કરીને સોનાની આયાત પડતરો વધી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2150થી 2159ની તેજી આગળ ધપી હતી, જેમાં શુદ્ધ સોનાએ રૂ. 1.14 લાખની સપાટી પાર કરી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2398ના ઉછાળા સાથે રૂ. 1.35 લાખની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજાર પાછળ બન્ને કિંમતી ધાતુઓમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હતો જેમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2398ના ઉછાળા સાથે રૂ. 1,35,267ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી, પરંતુ ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી. વધુમાં આજે સોનામાં રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવા છતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2150 વધીને રૂ. 1,13,856 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2159 વધીને રૂ. 1,14,314ના મથાળે રહ્યા હતા.

ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ આજે તેમના વક્તવ્યમાં ભવિષ્યમાં હળવી નાણાનીતિ અપનાવવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3790.82 ડૉલર સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સમે એક ટકો વધીને 3784.01 ડૉલર અને ડિસેમ્બર વાયદામાં ભાવ 1.1 ટકા વધીને 3817.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.4 ટકા વધીને આૈંસદીઠ 44.24 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગત સોમવારે ન્યૂ ફેડ ગવર્નર સ્ટીફન મિરારે વ્યાજદરમાં આક્રમક ધોરણે ઘટાડો કરવાની હાકલ કરી હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ દ્વારા અપનાવાયેલી આક્રમક નીતિને કારણે શ્રમ બજાર જોખમમાં મૂકાઈ ગઈ છે, જ્યારે અન્ય ત્રણ અધિકારીઓએ ફેડરલ રિઝર્વે સાવચેતીનું વલણ અપનાવવું જોઈએ એવું મંતવ્ય આપ્યું હતું. આમ એકંદરે મિરારના હળવી નાણાનીતિના વલણને ધ્યાનમાં લેતા બજાર વર્તુળો વધુ રેટ કટનો આશાવાદ રાખી રહ્યા હોવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર અને નવેમ્બર મહિનાની પ્રત્યેક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી અનુક્રમે 90 અને 73 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો મૂકી રહ્યા હતા.

હાલના તબક્કે સોનામાં મુખ્યત્વે સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જોવા મળે છે. આ સિવાય ભારતીય ઈક્વિટી માર્કેટમાં નરમાઈ રહેતી હોવાથી ભારતીય રોકાણકારોની માગનો ટેકો પણ મળી રહ્યો હોવાનું નોર્મને જણાવતા ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં ભારતની માગ ઉપરાંત, એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં લેવાલી તેમ જ ચીનની ખરીદી અનુસાર સોનામાં વધઘટ જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં સોનાનું હોલ્ડિંગ વધીને ત્રણ વર્ષની ટોચે 1000.57 ટનના સ્તરે રહ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button