ડૉલરની તેજી અટકતા થાક ખાતી સોનાની મંદી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં તેજી અટકતાં લંડન ખાતે સોના અને ચાંદીમાં મંદીએ થાક ખાતા બન્ને કિંમતી ધાતુઓમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાના નિર્દેશ સાથે આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં પીછેહઠ જોવા મળી હતી, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3150નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 356થી 358નો સાધારણ ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેવાની સાથે ભાવઘટાડાના માહોલમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3150ના ઘટાડા સાથે રૂ. 1,46,150ના મથાળે રહ્યા હતા.
આપણ વાચો: સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી
વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતા વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 356 ઘટીને રૂ. 1,19,937 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 358 ઘટીને રૂ. 1,20,419ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં માત્ર સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો, જ્યારે અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએથી પાછી ફરતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 3993.19 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને 4003.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 47.78 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાચો: ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે
હાલના તબક્કે બજાર વર્તુળોની નજર ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવે તેવા બુધવારે જાહેર થનારા અમેરિકાના રોજગારીનાં ડેટા ઉપરાંત સપ્તાહ દરમિયાન જાહેર થનારા ઔદ્યોગિક ઉત્પાદન સહિતનાં અન્ય ડેટાઓ પર સ્થિર હોવાથી સોનામાં આૈંસદીઠ 4000 ડૉલર આસપાસના મથાળે કોન્સોલિડેશન જોવા મળી રહ્યું હોવાનું સ્વિસક્વૉટનાં વિશ્લેષક કાર્લો અલ્બર્ટો ડિ કાસાએ જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી જોતા ડિસેમ્બર મહિનામાં રેટ કટની શક્યતા નબળી પડી રહી હોવાથી સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવી રહ્યા છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો, પરંતુ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે શેષ વર્ષ 2025માં વધુ રેટ કટનો અવકાશ ન હોવાના પણ સંકેત આપ્યા હતા. તેમ છતાં હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો ડિસેમ્બર મહિનામાં રેટ કટની 65 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.



