વિશ્વ બજાર પાછળ સોનામાં ₹391ની અને ચાંદીમાં ₹632ની તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તેમના વક્તવ્યમાં પુનઃ આવક વેરાના નીચા દર અને આયાતી માલો પર ટેરિફનાં ઊંચા દરનો પુનરોચ્ચાર કરતાં આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં એક ટકા જેટલો ઘટાડો થતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે હાજર સોનામાં ગઈકાલના વધ્યા મથાળેથી વધુ 0.7 ટકાની અને વાયદામાં 0.6 ટકાની તેજી આગળ ધપી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 389થી 391નો ચમકારો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 25 પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 632ની તેજી સાથે ફરી રૂ. 91,000ની સપાટી કુદાવી ગયા હતા.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિકમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 389 વધીને રૂ. 80,108 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 391 વધીને રૂ. 80,430ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી નિરસ રહી હતી. તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં ભાવ કિલોદીઠ રૂ. 632ની તેજી સાથે રૂ. 91,265ના મથાળે રહ્યા હતા. તેમ જ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી હતી, જ્યારે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહી હતી.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે તેમના વર્ચ્યુઅલ વક્તવ્યમાં વેરાના દરમાં ઘટાડો કરવાની સાથે ટેરિફનાં ઊંચા દર લાદવામાં આવશે, એવો પુનરોચ્ચાર કરતાં ફુગાવો વધવાની ભીતિ હેઠળ ડૉલર ઈન્ડેક્સ નબળો પડતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ગત 31મી ઑક્ટોબર પછીની ઊંચી આૈંસદીઠ 2777.10ની સપાટી સુધી પહોંચ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં સુધારો આગળ ધપતા હાજરમાં સોનાના ભાવ વધુ 0.7 ટકા વધીને આૈંસદીઠ 2773.57 ડૉલર અને વાયદામાં ભાવ 0.6 ટકા વધીને આૈંસદીઠ 2781 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકા ઉછળીને આૈંસદીઠ 30.78 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also read: સોનામાં રૂ. 556નું અને ચાંદીમાં રૂ. 553નું ગાબડું
અગાઉ ટ્રમ્પે તેમની સોગંદવિધી સમયે ટેરિફના દરમાં ધીમી ગતિએ વધારો કરવાના નિર્દેશથી વિપરીત ગઈકાલે ટેરિફમાં વધારો કરવામાં આવશે, એવું બજારની અપેક્ષાથી વિપરીત નિવેદન કરતાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો થતાં સોનામાં સુધારો જોવા મળ્યો હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જીગર ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે ટ્રમ્પે વેરાના દરમાં તાત્કાલિક ધોરણે ઘટાડો કરવાના સંકેત આપ્યા હતા, પરંતુ ટેરિફના દર અને ભવિષ્યની નીતિઓ અંગે કોઈ વધુ સ્પષ્ટતા ન કરતાં બજારમાં અનિશ્ચિતતા સપાટી પર આવતા સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે બૅન્ક ઑફ જાપાને વ્યાજદરમાં વધારો કર્યો હતો અને વ્યાજદરની સપાટી વર્ષ 2008ની વશ્શ્વિક નાણાકીય કટોકટી પછીની ઊંચી સપાટીએ રાખ્યા હતા. જોકે, હવે આગામી સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નાણાનીતિની બેઠક પર બજારની નજર સ્થિર થઈ છે. વધુમાં કેપિટલ ડૉટ કૉમનાં ફાઈનાન્સિયલ માર્કેટ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ આૈંસદીઠ 3000 ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.