ઘટ્યા મથાળેથી સોનામાં રૂ. 208નો અને ચાંદીમાં રૂ. 425નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી નિર્ણાયક બેઠક પૂર્વે લંડન ખાતે સોનામાં રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યાર ચાંદીમાં ભાવઘટાડો આગળ ધપ્યો હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયા બાદ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 207થી 208નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈ જળવાઈ રહેતાં સોનાની આયાત પડતર વધવાને કારણે પણ ભાવ વધારાને ટેકો મળ્યો હતો. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 425 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 425ના સુધારા સાથે રૂ. 88,950ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત પ્રવર્તમાન રિટેલ સ્તરની માગ તથા ડૉલર સામે રૂપિયો નબળો પડતાં આયાત પડતરો વધી આવતા 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 207 વધીને રૂ. 76,263 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 208 વધીને રૂ. 76,570ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકના અંતે ફેડના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ આગામી વર્ષ 2025 અને 2026માં નાણાનીતિમાં કેવો અભિગમ અપનાવશે તેના સંકેતની અપેક્ષા વચ્ચે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગિમ અપનવાતા હાજર અને વાયદામાં સોનાના આૈંસદીઠ ભાવ અનુક્રમે 2644.97 ડૉલર અને 2660.10 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ભાવઘટાડો આગળ ધપતા વધુ 0.9 ટકા ઘટીને આૈંસદીઠ 30.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા રિટેલ વેચાણના ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યા હતા તેમ જ તાજેતરમાં ફુગાવાના ડેટા પણ અપેક્ષકૃત જ આવતા ફેડરલ રિઝર્વ આગામી જાન્યુઆરી મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. જોકે, આજે સમાપન થતી બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી 95.4 ટકા શક્યતા ટ્રેડરો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મુકી રહ્યા છે. તેની સામે જાન્યુઆરીમાં વ્યાજદરમાં કપાતની માત્ર 16 ટકા શક્યતા ટ્રેડરો જોઈ રહ્યા છે.
Also read: સોનામાં રૂ. 96નો અને ચાંદીમાં રૂ. 370નો સાધારણ સુધારો
આજે મોડી સાંજે ફેડરલની બેઠક પશ્ચાત્ સોનાના ભાવમાં મજબૂત વલણ જોવા મળે તેવી શક્યતા સિટી ઈન્ડેક્સના વિશ્લેષક મેટ્ટ સિમ્પસને વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે અગાઉ બજાર વર્તુળો આગામી વર્ષમાં ઘણાં રેટ કટની આશા રાખી રહ્યા હતા, પરંતુ અમારા મતે આગામી વર્ષે જો બે વખત પણ વ્યાજદરમાં કાપ મૂકવામાં આવશે તો સોનાની તેજીને ટેકો જરૂર મળશે. આ સપ્તાહના અંતે બૅન્ક ઑફ જાપાન, બૅન્ક ઑફ ઈંગ્લેન્ડ, રિક્સબૅન્ક અને નોર્જેસ બૅન્ક નીતિવિષયક નિર્ણયની જાહેરાત પર તેમ જ સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના જીડીપીના ડેટા પર રોકાણકારોની મીટ મંડાયેલી છે. જોકે, ચીલીની કેન્દ્રવર્તી બૅન્કે ગઈકાલે વ્યાજદર 25 બેસિસ પૉઈન્ટ ઘટાડીને પાંચ ટકાના સ્તરે રાખ્યાના અહેવાલ હતા. સામાન્યપણે વ્યાજદરમાં ઘટાડાના સંજોગોમાં વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે.